મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ પ્રવાસી ન્યૂઝીલેન્ડ ટીમ ઉપર બીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં યાદગાર જીત મેળવવાને આરે આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પણ આજે મેચના ત્રીજા દિવસને અંતે તેણે બીજા દાવમાં પાંચ વિકેટે 140 રન કર્યા હતા. એ ટાર્ગેટથી હજી 440 રન પાછળ છે અને ભારતને જીત હાંસલ કરવા વધુ પાંચ વિકેટ મેળવવાની જરૂર છે. કાનપુરમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી.
ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. સમગ્ર ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝ પટેલે 225 રન આપીને 14 વિકેટ લીધી છે. ભારત સામે ટેસ્ટ મેચમાં કોઈ પણ બોલરે કરેલો આ સર્વશ્રેષ્ઠ દેખાવ બન્યો છે. ભારતે પોતાનો બીજો દાવ ટી-બ્રેક પૂર્વે 7 વિકેટે 276 રને ડિકલેર કર્યો હતો. પહેલા દાવમાં સદી ફટકારનાર મયંક અગ્રવાલે બીજા દાવમાં 62 રન કર્યા હતા. શુભમન ગિલે 47, કેપ્ટન વિરાટ કોહલીએ 36 રન કર્યા હતા. બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ 26 બોલમાં 41 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે ચાર સિક્સ ફટકારી હતી.