મુંબઈઃ વિરાટ કોહલી અને તેના સાથીઓએ અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને આજે 372 રનથી હરાવીને બે-મેચની શ્રેણી 1-0થી જીતી લીધી. ઘરઆંગણે ટેસ્ટ મેચમાં ભારતનો આ સૌથી મોટા તફાવતવાળો વિજય બન્યો છે. આમ છતાં આ મેચ ન્યૂઝીલેન્ડના ડાબોડી સ્પિનર એજાઝ પટેલના દેખાવને કારણે યાદગાર બની ગઈ, જેણે ભારતના પહેલા દાવમાં તમામ 10 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 540 રનનો ટાર્ગેટ અપાયો હતો, પણ આજે ચોથા દિવસે તેનો બીજો દાવ 167 રનમાં પૂરો થઈ ગયો હતો. મયંક અગ્રવાલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરાયો હતો.
મેચ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ કહ્યું કે ફરી જીત મળતાં આનંદ થયો છે. અમારા ખેલાડીઓ રમતના તમામ વિભાગમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીઓમાં ખેલાડીઓને એમને સોંપાયેલી જવાબદારી ઉત્સાહપૂર્વક નિભાવતા જોવાનો આનંદ થયો. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓએ એમને મળેલી તકનો સરસ રીતે લાભ લીધો. અશ્વિને દાવમાં 10-વિકેટ લેવાના ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલના દેખાવને બિરદાવ્યો હતો અને કહ્યું કે એમાં નસીબે પણ પોતાનો ભાગ ભજવ્યો હતો.
ભારતે આ શ્રેણી પહેલાં 3-ટ્વેન્ટી 20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયા હવે આ મહિનાના અંત ભાગમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે અને ત્યાં 3 ટેસ્ટ મેચ, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 4 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમશે.