અફઘાનિસ્તાનના નવીન-ઉલ-હક પર UAE T20 લીગમાં 20-મહિનાનો પ્રતિબંધ

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાતી ઈન્ટરનેશનલ લીગ T20 (ILT20) સ્પર્ધાના સંચાલકોએ અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક પર 20-મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે. નવીને શારજાહ વોરિયર્સ ટીમ સાથેના કરારનો ભંગ કર્યો હોવાથી તેની પર આ શિક્ષાત્મક પગલું ભરવામાં આવ્યું છે. નવીને આવતા વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રમાનાર સ્પર્ધાની દ્વિતીય આવૃત્તિ માટેના કરાર પર સહી કરવાનો ઈનકાર કરતાં એ 20 મહિના માટે સ્પર્ધામાંથી આઉટ થયો છે. આનો મતલબ એ કે તે 2024 તેમજ 2025ની આવૃત્તિઓમાં રમી નહીં શકે. આ એ જ નવીન-ઉલ-હક છે, જેણે આ વર્ષની આઈપીએલ સ્પર્ધા વખતે વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) સાથે નાહકનો ઝઘડો કર્યો હતો.

નવીન જોકે સાઉથ આફ્રિકાની T20 લીગ – SA20 લીગ સ્પર્ધામાં રમી શકશે. એમાં તેણે ડરબન્સ સુપર જાયન્ટ્સ ટીમ સાથે કરાર કર્યો છે. આ ટીમની માલિક છે એ જ કંપની છે જે આઈપીએલની લખનઉ સુપર જાયન્ટ્સની પણ માલિક છે. આ વર્ષની ILT20 સ્પર્ધામાં શારજાહ વોરિયર્સ વતી રમતાં નવીને 11 વિકેટ લીધી હતી. પરંતુ તેની ટીમ 10માંથી માત્ર ત્રણ મેચ જ જીતી શકી હતી અને પ્લેઓફ્સમાં પહોંચી શકી નહોતી.