નવી દિલ્હી: ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે અને એક ખરાબ. અનેક બેઠકો પછી છેવટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે, આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત T20 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાને 1 વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. તો, સારા સમાચાર એ છે કે, 2021થી સતત ત્રણ વર્ષ સુધી ક્રિકેટ ચાહકોને વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ નિહાળવા મળશે.
આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ રદ થતા હવે 2021 અને 2022 એમ સતત બે વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજાશે. અને ત્યાર પછીના વર્ષે એટલે કે 2023માં 50-ઓવરોવાળી ODI વર્લ્ડ કપ સ્પર્ધા યોજાશે, જે ભારતમાં યોજાશે.
ટી-20 વર્લ્ડ કપ અને વન-ડે વર્લ્ડ કપનું શિડ્યુલ
|
મહત્વનું છે કે, 2021 અને 2022 માં યોજાનાર T-20 વર્લ્ડ કપની મેજબાની કયો દેશ કરશે એ અંગે હજુ આઈસીસી તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. અનુક્રમે કોણ હોસ્ટ કરશે. અગાઉના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ (FTP) અનુસાર 2021 T-20 વર્લ્ડ કપ અને 2023 વનડે વર્લ્ડ કપ ભારત હોસ્ટ કરવાનું હતું.
આઈપીએલ માટે માર્ગ મોકળો
આ વર્ષની T20 વર્લ્ડ કપ સ્પર્ધા રદ થતા હવે આ વર્ષે IPLની 13મી આવૃત્તિના આયોજન માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આગામી દિવસોમાં IPL-13નું શેડયૂલ જાહેર કરે એવી ધારણા છે.
BCCI આ વર્ષે 26 સપ્ટેમ્બરથી 7 નવેમ્બર દરમિયાન IPLનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે. BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું જ હતું કે, પોતે ઈચ્છે છે કે IPL આ વર્ષે યોજાય.
હવે જ્યારે ICCનો નિર્ણય આવી ગયો છે એટલે ભારતીય બોર્ડ IPL અંગે જાહેરાત કરી શકે છે. બીસીસીઆઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને યુએઈમાં આઈપીએલનું આયોજન કરવા મંજૂરી માંગી છે.