રૂમમાં લોકોની વચ્ચે પણ હું એકલતા અનુભવતો હતોઃ કોહલી

મુંબઈઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં ગયા પછી મેદાન પર ઊતરવા માટે તૈયાર છે. UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2022માં તે મેદાનમાં જોવા મળશે. વિરાટ આજકાલ ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2019ના અંતથી તેણે એક પણ સદી નથી ફટકારી. તે પાછો ફોર્મ આવવા માગે છે. તેણે મેન્ટલ હેલ્થ અને ક્રિકેટર તરીકે સૌથી મોટા પડકારની વાત કરી હતી.

વિરાટને મેન્ટલ હેલ્થને લઈને કરેલા સવાલ પર કહ્યું હતું કે એક એથ્લીટ તરીકે ગેમ્સમાં તમે સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શકો છો, પણ તમે જે સતત દબાણ અનુભવો છો એ તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. યુવા એથ્લીટોને મારું એક સૂચન છે કે ફિટનેસ અને રિકવરી પર ધ્યાન આપવું એક સારા એથ્લીટ બનવાની ચાવી છે. 

તેણે કહ્યું હતું કે વ્યક્તિગતરૂપે એવા સમયનો અનુભવ થયો છે કે રૂમમાં લોકોની વચ્ચે હું એકલતા અનુભવતો હતો. એટલે પોતાના માટે સમય કાઢો અને સ્વયંથી જોડાવો. આવું નહીં થવા પર અન્ય બાબતો વિખેરાતા સમય નહીં લાગે. તમારે એ શીખવાની જરૂર છે કે તમારા સમયને કેવી રીતે વહેંચી શકાય, જેથી સંતુલન જાળવી શકાય, એમ તેણે કહ્યું હતું. મારું હંમેશાં લક્ષ્ય પર ધ્યાન રહે છે, જેથી હું ટીમને જીત અપાવી શકું, પણ પડકારો તમને સારું પરિણામ હાંસલ કરવામાં મદદ કરે છે, એમ તેણે કહ્યું હતું.