‘મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાનો પર વિશ્વાસ હતો’ સાયલન્ટ હીરોએ ઠાલવી પોતાની વ્યથા

IPL 2025: પાછલા ઘણા સમયથી શ્રેયસ ઐયર ચોથા નંબરે ભારત માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતને શાનદાર વિજય અપાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ તેને ‘સાયલન્ટ હીરો’ (Silent Hero) કહ્યો. છેલ્લા 8 વનડે મેચોમાં 53 ની સરેરાશથી રનરેટ બનાવીને, શ્રેયસે પોતાનું મહત્વ સાબિત કર્યું છે.

તેણે પોતાની ટેક્નિકલ નબળાઈ અને શોર્ટ બોલ સામેની સમસ્યાઓ અંગે ઘણી ટીકાઓ સહન કરી. જોકે, શ્રેયસે હંમેશા પોતાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન પીઠની ઈજા, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો, અને IPLમાં KKR દ્વારા રિલીઝ થવો, આ બધું થવા છતાં, તે મજબૂત મનોબળ સાથે આગળ વધતો રહ્યો. તેણે એક મીડિયા ઈન્ટરવ્યૂહ દરમિયાન કહ્યું કે “કદાચ મારી નબળાઈ અંગે વિશેષ છાપ ઊભી થઈ હતી, પણ મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાનો વિશ્વાસ હતો. ખેલાડી તરીકે સતત સુધારો જરૂરી છે અને મેં પણ એ જ કર્યું.”

IPL 2025 માટે શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સ (PBKS)ની કેપ્ટનશીપ સંભાળશે. KKRને ચેમ્પિયન બનાવ્યા બાદ આ નવી જવાબદારીમાં પણ શ્રેયસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. “મારે માત્ર મારી મહેનત પર ધ્યાન આપવું હતું, અને મને વિશ્વાસ હતો કે મારા પ્રદર્શનથી મને ફરી તક મળશે.”વધુમાં તેણે જણાવ્યુ કે “મને ચોથા ક્રમ પર બેટિંગ કરવાનો આનંદ આવે છે. વર્લ્ડ કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી, બંનેમાં આ ક્રમ પર રમીને હું સારું પ્રદર્શન કર્યું છે.” શ્રેયસ હવે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે એક નવી શરૂઆત કરવા આતુર છે. હવે જોવું રહ્યું કે શું તે આ સિઝનમાં પણ કેપ્ટનશીપ અને બેટિંગના ધમાકેદાર પ્રદર્શન દ્વારા ટીમને ટોપ 4માં લઈ જઈ શકે છે!