મુંબઈની આઈપીએલ મેચો યોજવા હૈદરાબાદની ઓફર

હૈદરાબાદઃ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ મુંબઈમાં ખૂબ વધી ગયા છે અને મહારાષ્ટ્ર સરકારે શહેર તથા રાજ્યભરમાં નાઈટ કર્ફ્યૂ અને વીકએન્ડ લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કર્યા છે ત્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં નિર્ધારિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી મોસમની મેચો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવાની હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ઓફર કરી છે.

એચસીએના પ્રમુખ અને ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ટ્વીટ કરીને જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને જો કોરોનાની સ્થિતિને કારણે મુંબઈની મેચો બીજે શિફ્ટ કરવી હોય તો હૈદરાબાદને એક વિકલ્પ તરીકે ગણી શકે છે. આવા કઠિન સમયમાં તો દરેક જણે એકબીજાની પડખે રહેવું જ જોઈએ. આઈપીએલ-2021ની મેચોનું સુરક્ષિત સ્થળોએ આયોજન કરી શકાય એટલા માટે અમે બીસીસીઆઈને આ ઓફર કરીએ છીએ. (કાર્યક્રમ મુજબ, મુંબઈમાં આઈપીએલ-2021ની 10 મેચો રમાવાની છે. દરમિયાન, વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ સ્ટાફના 40માંથી જે બે કર્મચારીનો કોરોના રિપોર્ટ અગાઉ પોઝિટીવ આવ્યો હતો, એમનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમને હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે)