ધરમશાલા સ્ટેડિયમ વર્લ્ડ કપ-2023ની પાંચ મેચ યોજવા સજ્જ

ધરમશાલા (હિમાચલ પ્રદેશ): ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) યોજિત ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. સ્પર્ધા આ વર્ષની પાંચ ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. હિમાચલ પ્રદેશનું ધરમશાલા નગર સ્પર્ધાની પાંચ મેચ યોજવાનું છે. અહીંના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએસન (એચપીસીએ) સ્ટેડિયમમાં 22 ઓક્ટોબરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ યોજાશે. અન્ય ચાર મેચો છેઃ 7 ઓક્ટોબર બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન), 10 ઓક્ટોબર ઈંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, 17 ઓક્ટોબર સાઉથ આફ્રિકા વિરુદ્ધ ક્વાલિફાયર ટીમ અને 28 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ.

પોતાને પાંચ મેચ ફાળવવા બદલ એસોસિએશને તેના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહનો આભાર માન્યો છે.

ધરમશાલા દુનિયાના સૌથી સુંદર ક્રિકેટ મેદાન તરીકે જાણીતું થયું છે. અહીંનું આઉટફિલ્ડ કૃત્રિમ ઘાસ વડે તૈયાર કરવામાં આવ્યું છે. તેથી હવે અહીં ગમે તેટલો પણ વરસાદ પડે તોય મેચ 15 મિનિટમાં જ ફરી શરૂ કરી શકાય છે. દુનિયાના ઘણા સ્ટેડિયમોમાં તો પિચ પર કવર્સ ઢાંકવામાં અને વરસાદ રહી જાય એટલે કવર્સને હટાવી દેવામાં જ આટલી મિનિટો લાગતી જતી હોય છે. ચીફ ક્યૂરેટર દ્વારા મેદાન પર 9 પિચ તૈયાર કરવામાં આવી છે.