હિના સિધુનો ગોલ્ડન દેખાવઃ કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં જીત્યો સુવર્ણ ચંદ્રક

બ્રિસ્બેન – ભારતની સ્ટાર મહિલા નિશાનેબાજ હિના સિધુએ આજે અહીં રમાતી રાષ્ટ્રકૂળ (કોમનવેલ્થ) શૂટિંગ ચેમ્પિયનશિપમાં ૧૦ મીટરની એર પિસ્તોલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો રહતો. છેલ્લા બે અઠવાડિયામાં હિનાનો આ બીજો ગોલ્ડ મેડલ છે.

દરમિયાન, પુરુષોના વર્ગમાં, ૧૦ મીટરની એર રાઈફલમાં ભારતના દીપક કુમારે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

હિનાએ હાલમાં જ ભારતમાં રમાઈ ગયેલી ISSF વિશ્વ કપ ફાઈનલ્સમાં મિક્સ્ડ ટીમ હરીફાઈમાં જીતુ રાયની સાથે મળીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

હિનાએ આજે આખો દિવસ ઉત્તમ દેખાવ કર્યો હતો અને ક્વોલિફિકેશનમાં ૩૮૬ પોઈન્ટનો કુલ સ્કોર મેળવીને પહેલું સ્થાન હાંસલ કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં એણે ૨૪૦.૮ પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સિલ્વર મેડલ ઓસ્ટ્રેલિયાની એલેના ગાઈલવોવિચે અને કાંસ્ય ચંદ્રક ક્રિસ્ટી ગિલમેને જીત્યો હતો.

પુરુષોના વર્ગમાં, ૧૦ મીટરની એર રાઈફલ સ્પર્ધામાં ભૂતપૂર્વ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા ગગન નારંગે ક્વોલિફિકેશનમાં ૬૨૬.૨ પોઈન્ટનો સ્કોર મેળવીને કોમનવેલ્થ ચેમ્પિયનશિપનો રેકોર્ડ તોડ્યો હતો.

ક્વોલિફિકેશન્સ રાઉન્ડમાં ટોચના ૮ ખેલાડીઓને ફાઈનલમાં પ્રવેશ મળે છે.

ફાઈનલ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાનો શૂટર હોબર્ગ ગોલ્ડ મેડલ લઈ ગયો હતો. એના જ દેશના રોસિટરે રજત અને ભારતના દીપક કુમારે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગગન નારંગ ચોથા સ્થાને રહ્યો હતો.