ટોક્યો ઓલિમ્પિક્સઃ ભારતીય ખેલાડીઓ તાલીમસત્રમાં વ્યસ્ત

ટોક્યોઃ 23 જુલાઈથી ઓલિમ્પિક રમતોત્સવ શરૂ થવાનો છે. એમાં ભાગ લેવા માટે ગયેલાં ભારતીય ખેલાડીઓ પોતપોતાની હરીફાઈમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે હાલ સઘન પ્રેક્ટિસ કરી રહ્યાં છે અને તાલીમ લઈ રહ્યાં છે. આમાં જિમ્નેસ્ટ પ્રણતી નાયક તથા બેડમિન્ટન ખેલાડીઓ પી.વી. સિંધુ અને પ્રણીતનો સમાવેશ થાય છે. 26-વર્ષની પ્રણતી આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સમાં ભાગ લેવાની છે. એની મેચ 25 જુલાઈથી શરૂ થશે. પ્રણતીએ આજે બેલેન્સ બીમ પર પ્રેક્ટિસ કરી હતી.

વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન અને રિયો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા સિંધુ અને પુરુષ ખેલાડી બી. સાઈ પ્રણીતે આજે સવારથી જ ટોક્યો ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. 88 ભારતીય ખેલાડીઓનો પહેલો જથ્થો ગઈ કાલે ટોક્યો આવી પહોંચ્યો હતો. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન કેરોલીના મારિન (સ્પેન) આ વખતની ગેમ્સમાં રમવાની ન હોવાથી સિંધુ ગોલ્ડમેડલની દાવેદાર છે. એની પહેલી મેચ ગ્રુપ-Jમાં 25 જુલાઈએ ઈઝરાયલની ખેલાડી સામે છે. 13મા ક્રમાંકિત પ્રણીતે આજે સિંધુની સાથે પ્રેક્ટિસ કરી હતી. પ્રણીત મેન્સ સિંગલ્સમાં ગ્રુપ-Dમાં છે. એમાં તેનો મુકાબલો નેધરલેન્ડ્સ અને ઈઝરાયના ખેલાડીઓ સાથે થવાનો છે. ટેબલટેનિસ ખેલાડીઓએ પણ આજે ઓલિમ્પિક વિલેજના ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]