જકાર્તા એશિયાડમાં અમિત પંઘલની ગોલ્ડન પંચલાઈન…

એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ અમિત પંઘલ એક સમયે ગરીબીને કારણે બોક્સિંગ ગ્લોવ્ઝ વગર જ પ્રેક્ટિસ કરતા હતા

ભારતીય લશ્કરમાં જુનિયર કમિશન્ડ ઓફિસર તરીકે સેવા બજાવનાર 22 વર્ષના અમિત પંઘલે આર્મી તથા સમગ્ર દેશની જનતાને ગર્વ અપાવે એવો પરફોર્મન્સ બતાવ્યો છે. જકાર્તામાં 18મી એશિયન ગેમ્સમાં એમણે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ એમણે પુરુષોની બોક્સિંગ રમતમાં લાઈટ ફ્લાયવેઈટ (49 કિ.ગ્રા.) વર્ગમાં પ્રથમ નંબર હાંસલ કરીને જીત્યો.

તેમના આ દેખાવની બે વિશેષતા છે. એક, એમણે ફાઈનલ જંગમાં કોઈ આલ્યામાલ્યાને નહીં, પણ ઉઝબેકિસ્તાનના હસનબોય દુસ્માતોવ નામના એ બોક્સર હરાવ્યો હતો, જે ઓલિમ્પિક્સનો વર્તમાન ચેમ્પિયન છે.

બીજું, કે પંઘલ ગરીબ હોવાને કારણે બોક્સિંગ માટેના સ્પેશિયલ ગ્લોવ્ઝ પહેર્યા વગર પ્રેક્ટિસ કરીને કારકિર્દીમાં આ સ્તરે પહોંચ્યા છે.

અમિતે ગયા વર્ષે હેમ્બર્ગમાં રમાઈ ગયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો, પણ ક્વાર્ટર ફાઈનલમાં એમનો ઓલિમ્પિક ચેમ્પિયન તથા વર્લ્ડ નંબર-1 હસનબોય દુસ્માતોવ સામે પરાજય થયો હતો. એશિયન ગેમ્સની ફાઈનલમાં ફરી એમની સામે દુસ્માતોવ રિંગમાં ઉતર્યો હતો.

પણ આ વખતે પંઘલ દુસ્માતોવને પછાડવા માટે કૃતનિશ્ચયી હતા.

ફાઈનલમાં અમિત શરૂઆતથી જ એના બળવાન હરીફ સામે પાવરધો રહ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં જોકે દુસ્માતોવે વળતી લડત આપી હતી, પણ સ્પ્લિટ નિર્ણયમાં અમિત પંઘલ વિજેતા બન્યા. 2018ની એશિયન ગેમ્સમાં બોક્સિંગની રમતમાં ભારતે અમિત પંઘલ દ્વારા જીતેલો પહેલો જ ગોલ્ડ મેડલ હતો.

અમિતે કહ્યું કે, ‘હું આની પહેલાં દુસ્માતોવ સામે હારી ગયો હતો એટલે આ વખતે વધારે સજ્જ બન્યો હતો. હેડ કોચ (સેન્ટિઆગો નિએવા) તથા અન્ય કોચીસે મને એશિયાડ માટે ખાસ તૈયાર કર્યો હતો. સેમી ફાઈનલ મુકાબલા વખતે જ મને જાણે ખતરાની ઘંટડી સંભળાઈ હતી કે, સેમી ફાઈનલમાં હું શ્રેષ્ઠ બોક્સિંગ કરી શક્યો નહોતો તે છતાં જીતી શક્યો, પણ એ ભૂલ મારે હવે ફાઈનલમાં કરવાની નથી.’

પંઘલ પુણેમાં ઈન્ડિયન આર્મીની આર્મી મિશન ઓલિમ્પિક્સ પાંખ ASI (આર્મી સ્પોર્ટ્સ ઈન્સ્ટિટ્યૂટમાં) છે. એ 2017ના જુલાઈમાં આર્મીમાં, 22-મહાડ રેજિમેન્ટમાં જોડાયા હતા અને આજે લશ્કરમાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે.

અમિત વાસ્તવમાં, એમના મોટા ભાઈ અજયની બોક્સિંગ ટેલેન્ટથી પ્રભાવિત થયા હતા. અજય 2009માં એમના સ્કૂલ વિદ્યાર્થી તરીકેના દિવસોમાં બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. અમિતને એમાંથી જ બોક્સિંગ શીખવાની ધગશ અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.

આગળ જતાં અમિતને એમના કોચ અનિલ ધાકરે વ્યવસ્થિત બોક્સર બનાવ્યો હતો. તેઓ એમને પોતાની સાથે ગુરુગ્રામ લઈ ગયા હતા અને ત્યાંની એકેડેમીમાં એમને પદ્ધતિસરની તાલીમ આપી હતી. ત્યારપછી અમિત પાછું વાળીને જોયું નથી.

કિસાન પરિવારમાં જન્મેલા અમિતના પરિવારની સ્થિતિ આર્થિક રીતે સારી નહોતી. બોક્સિંગ માટે ખાસ જરૂરી, મોંઘી રકમના ગ્લોવ્ઝ ખરીદવાના એમની પાસે પૈસા નહોતા. તે છતાં આ રમત પ્રત્યેનો એમનો ગાઢ પ્રેમ અને કારકિર્દી બનાવવાની ધગશ જરાય ઓછા થયા નહોતા. બોક્સિંગની પ્રેક્ટિસ ગ્લોવ્ઝ પહેર્યા વગર જ એ કરતા હતા.

હરિયાણાના રોહતક જિલ્લાના મૈના નામના ગામમાં જન્મેલા અમિતના પિતા વિજેન્દર સિંહ એક ગરીબ કિસાન છે. પોતાની એક એકર જમીન પર એ ઘઉં, બાજરીની ખેતી કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જ અજયને પણ એની બોક્સિંગ કારકિર્દીને રામ-રામ કરી દેવા પડ્યા હતા. એ પણ ભારતીય લશ્કરમાં સેવા બજાવે છે.

2011ના વર્ષમાં પંઘલ પરિવારની ખેતીવાડીને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. એ જ વખતે અજયને બોક્સિંગમાં આગળ વધવાની ઈચ્છાને પડતી મૂકી દેવી પડી હતી. એમને ઈન્ટરનેશનલ કક્ષાના બોક્સર બનવું હતું. અનિલ ધાકર જ એમના કોચ હતા, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ વણસી જતાં એમને બોક્સિંગ માટેનો પ્રેમ પડતો મૂકીને સૈન્યમાં જોડાઈ જવું પડ્યું હતું.

પોતાને જે છોડવું પડ્યું છે એ નાના ભાઈ અમિતને છોડવું ન પડે એની અજયે ખાસ તકેદારી રાખી હતી. પોતાનું સપનું અમિત પૂરું કરે એવી એણે ઈચ્છા રાખી હતી અને અમિત એ સપનું સાકાર કરશે એવી એમને ખાતરી પણ હતી.

વળી, અમિતમાં બોક્સિંગનું એકદમ ઝનૂન ફરી વળ્યું હતું. અજયના જૂના ગ્લોવ્ઝ ફાટી ગયા હતા. નવા ગ્લોવ્ઝ ખરીદવા માટે ત્રણ હજાર રૂપિયા જોઈએ. એ વખતે અમિતે ગ્લોવ્ઝ વગર છ મહિના સુધી પ્રેક્ટિસ કર્યે રાખી હતી.

અમિત કહેતા કે બોક્સરને તો યોગ્ય આહારની જ જરૂર પડે, ગ્લોવ્ઝ નહીં હોય તો ચાલશે.

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર અમિત તથા એમના પરિવારે હવે અમિતના ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ પર લક્ષ્ય નક્કી કર્યું છે.