એશિયા કપમાં રોહિત શર્માની કેપ્ટન તરીકે પસંદગી, કોહલીને અપાયો આરામ

નવી દિલ્હીઃ એશિયા કપ ક્રિકેટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વન ડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. બીસીસીઆઈએ 16 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની મેચો દુબઈ અને અબુધાબીમાં થશે. ટીમમાં કેપ્ટન તરીકે રોહિત શર્માને કમાન સોંપવામાં આવી છે. વિરાટ કોહલી આ ટૂર્નામેન્ટથી બહાર રહેશે તેમને આરામ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વિરાટ કોહલીને અત્યારે કમરની તકલીફ છે અને આવનારા ત્રણ મહિનામાં છ ટેસ્ટ પણ રમવાની છે. જેમાંથી બે વેસ્ટેન્ડીઝ અને ચાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હશે. અને કદાચ એટલા માટે જ ટીમના પસંદગીકારોએ અત્યારે કોહલીને આરામ આપ્યો છે.

ભારતીય ટીમમાં 20 વર્ષના લેફ્ટ આર્મ પેસર ખલીલ અહેમદને સ્થાન આપવામાં આવ્યું છે. રાજસ્થાનના આ ફાસ્ટ બોલરને આઈપીએલ-2018માં સનરાઈઝર્સ હૈદરાબાદે 3 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો અને તેને એક મેચ રમવાની તક મળી હતી. તો અંબાતિ રાયડુને ફરીએકવાર સીલેક્ટર્સે ચાન્સ આપ્યો છે. તો બીજીતરફ કેદાર જાધવ પણ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે.

ત્યારે એશિયા કપ ક્રિકેટ માટે રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ.રાહુલ, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમ.એસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ, શાર્દુલ ઠાકુર, અને ખલીલ અહમદ સહિતના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાની એશિયા કપની પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરના રોજ રમશે. જ્યારે એક દિવસ બાદ જ 19 સપ્ટેમ્બરે ઈન્ડિયા vs પાકિસ્તાનની મેચ છે. ટૂર્નામેન્ટની ફાઈનલ 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં રમાશે. ભારતે 2016માં મેજબાન દેશ બાંગ્લાદેશને હરાવીને ગત એશિયા કપ ક્રિકેટ જીતી હતી. ભારત અત્યાર સુધી સર્વાધિક 6 વાર એશિયા કપ ચેમ્પિયન રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]