ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતનો 60-રનથી પરાજય; શ્રેણી ગુમાવી દીધી

સાઉધમ્પ્ટન – અહીં ઈંગ્લેન્ડ સામે ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે ભારતનો 60-રનથી પરાજય થયો છે. જીત માટે ભારતીય ટીમને 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ સમગ્ર ટીમ 69.4 ઓવરમાં 184 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પાંચ-મેચોની સીરિઝ ભારતે 1-3થી ગુમાવી દીધી છે. પાંચમી અને સીરિઝની છેલ્લી મેચ 7 સપ્ટેંબરથી લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાશે. ભારતીય બેટિંગ લાઈન-અપ ઈંગ્લેન્ડના ઓફ્ફ સ્પિનર મોઈન અલી સામે ઘૂંટણિયે પડી ગઈ. મોઈને બંને દાવ મળીને 9 વિકેટ લીધી હતી.

ભારતે આજે ઈંગ્લેન્ડનો બીજો દાવ 271 રનમાં પૂરો કરી દીધો હતો. ભારતે પહેલા દાવમાં 27 રનની લીડ મેળવી હતી. આમ, એને 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

સ્કોર બોર્ડ પર 1 રન જ થયો હતો ત્યાં નિષ્ફળ ઓપનર લોકેશ રાહુલ ઝીરો પર ક્લીન બોલ્ડ થયો હતો. પહેલા દાવમાં અણનમ 132 રન કરનાર ચેતેશ્વર પૂજારા માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. શિખર ધવન (17)ની વિકેટ 22 રનના સ્કોર પર પડ્યા બાદ ભારત તકલીફમાં આવી ગયું હતું. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી (58) અને વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે (51)ની જોડીએ 101 રનની ભાગીદારી કરી હતી.

કારકિર્દીની 19મી હાફ સેન્ચુરી કરીને કોહલી આઉટ થતાં ભારતને મોટો આંચકો લાગ્યો હતો. એ વિકેટ બાદ ભારતની અન્ય વિકેટ ટપોટપ પડી હતી. હાર્દિક પંડ્યા ખાતું ખોલાવ્યા વગર, વિકેટકીપર રીષભ પંત 18 રન, રહાણે 51, ઈશાંત શર્મા ઝીરો, મોહમ્મદ શમી 8 અને અશ્વિન 25 રન કરીને આઉટ થયો હતો.

ભારતના પરાજય માટે કારણભૂત બન્યો છે ઈંગ્લેન્ડનો ઓફ્ફ સ્પિનર મોઈન અલી, જેણે બીજા દાવમાં 71 રનમાં 4 વિકેટ ઝડપી હતી. એણે પહેલા દાવમાં 63 રનમાં પાંચ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલરો જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સે બબ્બે વિકેટ જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ અને સેમ કરને 1-1 વિકેટ લીધી છે.

ભારત પહેલી બે ટેસ્ટ મેચ હારી ગયું હતું, પણ ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સીરિઝને જીવંત રાખી હતી. ચોથી ટેસ્ટ મેચમાં ભારતે શરૂઆત સરસ કરી હતી.