મોદીએ દેશના 40 રમતવીરો સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં કોરોના પરિસ્થિતિ વિશે ચર્ચા કરી

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે કોરોના વાઈરસ મહાબીમારીએ સર્જેલા સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને તમામ નાગરિકો 21-દિવસના દેશવ્યાપી લોકડાઉન નિયમનું પાલન કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરાટ કોહલી, મેરી કોમ સહિત દેશના 40 ટોચના રમતવીરો સાથે વિડિયો કોન્ફરન્સ મારફત કોરોના વાઈરસ વિશે ચર્ચા કરી હતી.

કોરોના વાઈરસને કારણે દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે મોદીએ રમતવીરો સાથે ચર્ચા કરી હતી.

મોદીએ યોજેલી વિડિયો કોન્ફરન્સમાં કોહલી અને મેરી કોમ ઉપરાંત સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, પી.ટી. ઉષા, પુલ્લેલા ગોપીચંદ, વિશ્વનાથન આનંદ, હિમા દાસ, બજરંગ પુનિયા, પી.વી. સિંધુ, રોહિત શર્મા, વિરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ અને ચેતેશ્વર પૂજારાએ પણ ભાગ લીધો હતો.

વડા પ્રધાને આ ચર્ચા દરમિયાન રમતવીરોને કોરોના સામેની લડાઈ જીતવા માટે પાંચ-પોઈન્ટનો મંત્ર આપ્યો હતોઃ સંકલ્પ, સંયમ, સકારાત્મક્તા, સમ્માન અને સહયોગ.

મોદીએ કહ્યું કે તમે સૌ રમતવીરોએ દેશને ખ્યાતિ અપાવી છે અને હવે તમારે દેશનો જુસ્સો વધારવા અને સકારાત્મક્તાનો પ્રસાર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરવાની છે.

મોદીએ આ ખેલકૂદ હસ્તીઓ સાથે આજે સવારે 11 વાગ્યાથી પોણા બાર વાગ્યા સુધી વાતચીત કરી હતી.