ખોટી વાત, IPLમાં કંઈ એમ રમવા મળતું નથીઃ લક્ષ્મણ

હૈદરાબાદઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કના એક દાવાને નકારી કાઢ્યો છે. ક્લાર્કે એમ કહ્યું છે કે, ‘2018-19માં ભારત સામેની ટેસ્ટ સિરીઝ વખતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વિરાટ કોહલીને ‘સ્લેજ’ કરતા (અપશબ્દો બોલતા) ગભરાતા હતા, કારણ કે તેઓ કોહલીને નારાજ કરીને એમના લાખો ડોલરના IPL સોદા ગુમાવવા માગતા નહોતા.’

લક્ષ્મણે જોકે ક્લાર્કના આ દાવાને ફગાવી દીધો છે. એણે ‘સ્ટાર સ્પોર્ટ્સના ક્રિકેટ કનેક્ટેડ’ શોમાં કહ્યું હતું કે, ‘તમે કોઈ પણ ભારતીય ખેલાડી સાથે મૈત્રી રાખો એટલે તમને આઈપીએલમાં રમવાનો કોન્ટ્રાક્ટ મળે એ વાત ખોટી છે.’

‘ટીમના માર્ગદર્શક તરીકે હું હરાજી વખતે ટેબલ પર બેસતો હોઉં છું. અમે જ ખેલાડીઓની પસંદગી કરતા હોઈએ છીએ. જે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પોતપોતાના દેશ વતી મેચોમાં અસાધારણ સારો દેખાવ કર્યો હોય અને એમને પસંદ કરવાથી ફ્રેન્ચાઈઝનું મૂલ્ય વધી શકે છે એવું ટીમના માલિકોને જણાય એ ગણતરીએ જ વિદેશી ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. કોઈ પણ ભારતીય ખેલાડી સાથે મિત્રતા રાખવાથી કંઈ આઈપીએલમાં એન્ટ્રી મળી જતી નથી,’ એમ લક્ષ્મણે વધુમાં જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે કોહલીની આગેવાની હેઠળની ટીમ 2018-19માં ઓસ્ટ્રેલિયામાં પહેલી જ વાર ટેસ્ટ શ્રેણી વિજય હાંસલ કરનાર ભારતીય ટીમ બની હતી. 1947ની સાલ બાદ પહેલી જ વાર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને એની જ ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં પરાજય આપ્યો હતો. એ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન હતો ટીમ પેન. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની શ્રેણીમાં 2-1થી પરાજય આપ્યો હતો.

લક્ષ્મણે કહ્યું કે, ‘આઈપીએલની દરેક ટીમ ખેલાડીની ક્ષમતાને મહત્ત્વ આપે છે તેમજ એને સામેલ કરવાથી ટીમનું મૂલ્ય કેટલું વધે છે એ જુએ છે.’

‘ખેલાડીઓને એમની કાબેલિયત અનુસાર જ આઈપીએલના કોન્ટ્રાક્ટ મળે છે. તેથી તમે કોઈની સાથે સારા સંબંધો રાખો એટલે આઈપીએલમાં રમવા મળી જાય એવું નથી,’ એમ લક્ષ્મણે કહ્યું છે.

ટીમ પેને પણ માઈકલ ક્લાર્કના આ દાવાને નકારી કાઢ્યો છે. પેને કહ્યું કે, ‘2018-19ની સિરીઝમાં અમારા ખેલાડીઓ કોહલીની ખુશામત કરતા હોય કે એને આઉટ કરવાનું ટાળતા હોય કે એવી બીજી હરકતો કરતા હોય એવું મને તો જરાય લાગ્યું નહોતું. હું તો એટલું જ જાણું છું કે ઓસ્ટ્રેલિયાનો દરેક ખેલાડી એના હાથમાં જ્યારે બોલ કે બેટ આવે ત્યારે ટીમ માટે પોતાનો બેસ્ટ દેખાવ જ કરવા તત્પર રહેતો હોય છે.’