મેરઠઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર અને એના પુત્ર ગઈ કાલે રાતે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક રોડ અકસ્માતમાં આબાદ રીતે ઉગરી ગયા હતા. તેઓ જે કારમાં જતા હતા તેની સાથે એક ટ્રક અથડાઈ હતી. સદ્દભાગ્યે પ્રવીણ અને એમના પુત્ર, બંનેને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સ્વસ્થ છે. આ સમાચાર સાથે વિકેટકીપર રિષભ પંતને ગયા વર્ષે ઉત્તરાખંડના રુડકીમાં નડેલા એક ભયાનક કાર અકસ્માતની યાદ ફરી તાજી થઈ છે.
પ્રવીણકુમાર મેરઠના બાગપત રોડસ્થિત મુલતાન નગરના રહેવાસી છે. તેઓ એમના પુત્રની સાથે એમની કારમાં પાંડવ નગરથી આવી રહ્યા હતા ત્યારે એમને અકસ્માત નડ્યો હતો. ધસમસતી આવેલી એક ટ્રક એમની કાર સાથે પાછળથી અથડાઈ હતી. ટ્રક ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
36 વર્ષીય પ્રવીણકુમાર ભારત વતી 6 ટેસ્ટ, 68 વન-ડે ઈન્ટરનેશનલ અને 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા.