બેડમિન્ટનઃ વર્લ્ડ સિંગલ્સ રેન્કિંગ્સમાં સિંધુ 15મા ક્રમે ઉતરી ગઈ

મુંબઈઃ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) દ્વારા નવા બહાર પાડવામાં આવેલા મહિલા ખેલાડીઓનાં વર્લ્ડ સિંગલ્સ રેન્કિંગ્સમાં બે વખત ઓલિમ્પિક્સ મેડલ જીતનાર પી.વી. સિંધુ વધુ ત્રણ ક્રમ નીચે ઉતરી ગયેલી છે. ભૂતકાળમાં દ્વિતીય ક્રમ સુધી પહોંચેલી સિંધુનાં રેન્કિંગ્સમાં આ વર્ષના આરંભથી જ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. 2023ની મોસમના આરંભે એ વિશ્વસ્તરે સાતમા ક્રમે હતી, પરંતુ ત્યારબાદ એપ્રિલમાં એ ટોપ-10માંથી બહાર થઈ ગઈ હતી.

હૈદરાબાદનિવાસી 27 વર્ષીય સિંધુ 2017ના એપ્રિલમાં વિશ્વસ્તરે બીજા નંબર પર પહોંચી હતી. કારકિર્દીમાં એ તેનો સૌથી ઊંચો ક્રમ રહ્યો છે. સિંધુએ 2022માં બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ લાંબો સમય સુધી ચાલેલી ઈજાને કારણે તે આ મોસમમાં સારું ફોર્મ મેળવવા ખૂબ ઝઝૂમતી જોવા મળી છે.

સિંધુની સાથી ઓલિમ્પિક મેડલવિજેતા સાઈના નેહવાલ મહિલા સિંગલ્સના વર્લ્ડ રેન્કિંગ્સમાં 30મા ક્રમે છે.

પુરુષોના વિભાગમાં, એચ.એસ. પ્રણય વર્લ્ડ મેન્સ સિંગલ્સ રેન્કિંગ્સમાં, આઠમા ક્રમે છે. ટોપ-10 રેન્કિંગ્સમાં તે ભારતનો એકમાત્ર ખેલાડી છે અને તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 કિદામ્બી શ્રીકાંત હાલ 20મા ક્રમે છે.