ઈંગ્લેન્ડને આંચકો આપી ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં

મોસ્કો – અહીં રમાતી ફિફા વર્લ્ડ કપ-2018ની ગઈ કાલે રમાઈ ગયેલી બીજી સેમી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને એક્સ્ટ્રા ટાઈમમાં 2-1 સ્કોરથી હરાવીને ક્રોએશિયાએ ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

15 જુલાઈએ રમાનાર ફાઈનલમાં ક્રોએશિયાનો મુકાબલો ફ્રાન્સ સાથે થશે જેણે પહેલી સેમી ફાઈનલમાં બેલ્જિયમને પરાજય આપ્યો હતો.

વર્લ્ડ કપ ફાઈનલમાં ક્રોએશિયાએ આ પહેલી જ વાર પ્રવેશ કર્યો છે.

ઈંગ્લેન્ડના કાઈરેન ટ્રીપીઅરે મેચની પાંચમી મિનિટે ગોલ કર્યા બાદ હાફ-ટાઈમે સ્કોર ઈંગ્લેન્ડની ફેવરમાં 1-0 હતો. બીજા હાફની 68મી મિનિટે ક્રોએશિયાના ઈવાન પેરીસીચે ગોલ કરીને મેચને જીવંત બનાવી દીધી હતી. ફૂલ-ટાઈમે સ્કોર 1-1 રહ્યા બાદ મેચ એક્સ્ટ્રા-ટાઈમમાં ગઈ હતી. એમાં નિર્ણાયક ગોલ મારિયો મેન્ઝુકીએ છેક 109મી મિનિટે કરીને ક્રોએશિયાને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. ઈવાન પેરીસીચને મેન ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો.

1950 બાદ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચનાર ક્રોએશિયા સૌથી નાનો દેશ બન્યો છે. 1950માં ઉરુગ્વેએ સૌથી નાના દેશ તરીકે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રોએશિયાની વસ્તી માત્ર 40 લાખની છે.

મારિયો મેન્ઝુકીનો 109મી મિનિટનો નિર્ણાયક ગોલ

ઈવાન પેરીસીચઃ મેન ઓફ ધ મેચ