થાઈલેન્ડની ગુફામાંથી ઉગારેલા બાળકોને ફૂટબોલ વર્લ્ડ કપ ફાઈનલ માટેનું આમંત્રણ

બેંગકોક – ઉત્તર થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં ફસાઈ ગયાના 18 દિવસે સુખરૂપ બહાર કાઢવામાં આવેલા સોકર ટીમના સગીર વયના 12 બાળકોને 15 જુલાઈએ મોસ્કોમાં રમાનાર ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચ જોવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ બાળકો બીમાર હોવાથી અને એમને સાત દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવાની સલાહ આપવામાં આવી હોવાથી તેઓ ફાઈનલ મેચ જોવા માટે મોસ્કો જઈ શકે એમ નથી.

તમામ બાળકો 11થી 16 વર્ષની વયના છે જ્યારે એમના કોચ 25 વર્ષના છે. આ તમામને થાઈલેન્ડના નૌકાદળના જવાનોએ ત્રણ દિવસ સુધી ભારે જહેમત ઉઠાવીને મંગળવારે ઉગારી લીધા હતા.

ફૂટબોલની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી ફિફા સંસ્થાના પ્રમુખ ગિયાની ઈન્ફેન્ટિનોએ આ બાળકોની ટીમને ફાઈનલ મેચ જોવા આવવાનું આમંત્રણ મોકલ્યું છે.

થાઈલેન્ડની આ એ હોસ્પિટલ છે જ્યાં બાળકો સારવાર લઈ રહ્યા છે

આ બાળકો ગુફામાં ફસાયા હતા ત્યારે વર્લ્ડ કપની મેચોના પરિણામો વિશે પૂછતા રહ્યા હતા, તે જાણવા મળ્યા બાદ ફિફા પ્રમુખે એમને આમંત્રણ આપ્યું છે.

જોકે આ બાળકો બીમાર હોવાથી રવિવારની ફાઈનલ હોસ્પિટલમાં ટીવી પર જ જોશે.