ફૂટબોલ વર્લ્ડ કપઃ બેલ્જિયમને સેમી ફાઈનલમાં 1-0થી હરાવી ફ્રાન્સ ફાઈનલમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) – અહીં ગઈ કાલે ફિફા વર્લ્ડ કપ-2018ની રમાઈ ગયેલી પહેલી સેમી ફાઈનલમાં ફ્રાન્સે બેલ્જિયમને 1-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

આજે ક્રોએશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમી ફાઈનલ મેચ રમાશે. એની વિજેતા ટીમ સાથે ફ્રાન્સનો 15 જુલાઈની ફાઈનલમાં મુકાબલો થશે.

ફ્રાન્સે એના સેન્ટર-બેક સેમ્યુઅલ યુમટિટીએ 51મી મિનિટે કરેલા ગોલની મદદથી બેલ્જિયમ પર વિજય મેળવ્યો હતો. યુમિટીએ ગોલ્ડપોસ્ટની ખૂબ નજીક પહોંચ્યા બાદ હેડર-ગોલ કર્યો હતો.

બેલ્જિયમે તેના કેપ્ટન એડન હેઝાર્ડની આગેવાની હેઠળ ફ્રાન્સને જોરદાર લડત આપી હતી, પરંતુ ટીમને ગોલ કરવામાં કોઈ સફળથા મળી નહોતી. 1986ની સાલ બાદ આ પહેલી જ વાર બેલ્જિયમ સેમી ફાઈનલમાં પ્રવેશ્યું છે.

ફ્રાન્સ 2006 બાદ પહેલી વાર વર્લ્ડ કપ ફાઈનલ મેચમાં રમશે. (તસવીરોઃ ગેટ્ટી ઈમેજીસ)