હાર્દિક-રોહિતની જોડી સામે ઈંગ્લેન્ડ પરાસ્ત; ભારતે T20I શ્રેણી 2-1થી જીતી

બ્રિસ્ટોલ – અહીં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે આજે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે 18.4 ઓવરમાં માત્ર 3 વિકેટના ભોગે 201 રન કરીને ઈંગ્લેન્ડને સાત-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી છે.

ઈંગ્લેન્ડે તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 198 રન કર્યા હતા.

ભારતની જીતના બે હકદાર છે – રોહિત શર્મા, જે 56 બોલમાં 100 રન કરીને નોટઆઉટ રહ્યો અને બીજો હાર્દિક પંડ્યા, જેણે બોલિંગમાં 4 વિકેટ લીધા બાદ બેટિંગમાં અણનમ 33 રન કર્યા હતા.

શર્માએ એના દાવમાં 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા તો પંડ્યાએ 14 બોલમાં કરેલા 33 રનમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા છે. પંડ્યાએ એની આગવી સ્ટાઈલમાં સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ બંને વચ્ચે 35 બોલમાં 50 રનની અણનમ ભાગીદારી થઈ હતી.

કેપ્ટન વિરાટ કોહલીએ 43, શિખર ધવને 5 અને લોકેશ રાહુલે 19 રન કર્યા હતા.

તે પહેલાં, ઈંગ્લેન્ડના દાવમાં હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરમાં 22 રન ખર્ચ્યા બાદ બાકીની ત્રણ ઓવરમાં દેકારો બોલાવી દીધો હતો અને ઈંગ્લેન્ડના 4 બેટ્સમેનને આઉટ કર્યા હતા. એના ચાર શિકારમાં ત્રણ જણ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લોવ્ઝમાં ઝડપાઈ ગયા હતા જ્યારે ચોથો કેપ્ટન કોહલીના હાથમાં.

સિદ્ધાર્થ કૌલે બે વિકેટ લીધી હતી જ્યારે પોતાની કારકિર્દીની પહેલી જ મેચ રમનાર દીપક ચાહર અને ઉમેશ યાદવે 1-1 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

ઈંગ્લેન્ડના જેસન રોય (67) અને જોસ બટલર (34)ની ઓપનિંગ જોડીએ 7.5 ઓવરમાં 94 રન ઉમેર્યા હતા. એલેક્સ હેલ્સે 30, જોની બેરસ્ટોએ 25 રન કર્યા હતા.

રોહિત શર્માને ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધ સિરીઝ’ ઘોષિત કરવામાં આવ્યો છે.

ભારતે આ પહેલી જ વાર ઈંગ્લેન્ડની ધરતી પર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ જીતી છે.