વન-ડે ક્રિકેટમાં 200 રન ફટકારનારાઓની ક્લબમાં પાકિસ્તાનનો ફખર ઝમાન પણ જોડાયો

બુલાવેયો (ઝિમ્બાબ્વે) – પાકિસ્તાનના બેટ્સમેન અહીં ઝિમ્બાબ્વે સામે પાંચ મેચોની સિરીઝની ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 210 રન ફટકારીને પાકિસ્તાન વતી નવો વિક્રમ નોંધાવ્યો છે. વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ઝમાન પહેલો પાકિસ્તાની બેટ્સમેન છે. એણે સઈદ અનવરના 21 વર્ષ જૂના 194 રનના હાઈએસ્ટ સ્કોરરના વિક્રમને તોડ્યો છે.

ઝમાને આજની મેચમાં 156 બોલનો સામનો કરીને 210 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. આ સાથે એ ક્લબ-200માં સામેલ થયો છે. વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર અન્ય બેટ્સમેનો છે – સચીન તેંડુલકર, વિરેન્દર સેહવાગ, ક્રિસ ગેલ, રોહિત શર્મા, માર્ટિન ગપ્ટીલ.

ઝમાન અને એના સાથી ઓપનર ઈમામ-ઉલ-હકે મળીને પહેલી વિકેટ માટે 304 રનની ભાગીદારી કરી હતી. ઈમામ-ઉલ-હક 112 રનમાં 113 રન કરીને આઉટ થયો હતો. આ બંનેએ વન-ડે ક્રિકેટમાં ઓપનિંગ ભાગીદારીનો નવો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અગાઉનો વિક્રમ શ્રીલંકાના ઉપુલ થારંગા અને સનથ જયસૂર્યાના નામે – 286 રનનો હતો, જે એમણે 2006માં નોંધાવ્યો હતો.

ઝમાન અને હકની જોડીની ત્રેવડી સદીની ભાગીદારીની મદદથી પાકિસ્તાને તેની 50 ઓવરમાં 1 વિકેટે 399 રનનો સ્કોર કર્યો હતો. વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાનનો આ હાઈએસ્ટ સ્કોર બન્યો છે. એનો આગલો હાઈએસ્ટ સ્કોર 7 વિકેટે 385 રન હતો, જે 2010માં ડામ્બુલામાં બાંગ્લાદેશ સામે કર્યો હતો.

ઝમાને એના દાવમાં 24 ચોગ્ગા ફટકાર્યા હતા. વિશ્વવિક્રમ રોહિત શર્માનો છે – 33 ચોગ્ગાનો. સચિન તેંડુલકરે 25 અને સેહવાગે 25 ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન આ શ્રેણીમાં 3-0થી આગળ છે.

વન-ડે ક્રિકેટમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર કરનાર બેટ્સમેનો…

264 રોહિત શર્મા?? 237* માર્ટિન ગપ્ટિલ?? 219 વિરેન્દર સેહવાગ?? 215 ક્રિસે ગેલ?? 210* ફખર ઝમાન?? 209 રોહિત શર્મા?? 208* રોહિત શર્મા?? 200* સચીન તેંડુલકર??