ગુફામાંથી ઉગાર્યા બાદ થાઈ તરુણો પહેલી વાર જાહેરમાં ફૂટબોલ રમ્યા

ચિયાંગ રાય (થાઈલેન્ડ) – ગુફામાં બે અઠવાડિયા સુધી ફસાઈ ગયા બાદ મોતને નજર સામે નિહાળનાર અને થાઈલેન્ડના નૌસૈનિકો દ્વારા ચમત્કારિક રીતે ઉગારી લેવાયેલા 12 ફૂટબોલ તરુણ ખેલાડીઓ હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પહેલી જ વાર અહીં સાથે ફૂટબોલ રમ્યા હતા.

એ દ્રશ્યની તસવીરો અને વિડિયો ક્લિપ્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે.

વાઈલ્ડ બોઅર્સ નામક ફૂટબોલ ટીમના 12 છોકરાઓ અને એમના 25 વર્ષીય કોચ થામ લુઆંગ ગુફામાં 18 દિવસો સુધી ફસાઈ ગયા હતા. એમના બચાવને તેમણે એક ચમત્કાર તરીકે ઓળખાવ્યો છે.

આ તમામ 12 છોકરાઓ બુધવારે પત્રકાર પરિષદમાં હાજર થયા હતા અને ત્યાં તૈયાર કરવામાં આવેલા એક મિની સોકર ફિલ્ડ પર એમણે તેમની ફૂટબોલ ટેલેન્ટનાં દર્શન કરાવ્યા હતા.

આ છોકરાઓની સારવાર કરનાર ડોક્ટરોએ પણ પત્રકાર પરિષદમાં હાજર હતા અને એમણે કહ્યું કે આ છોકરાઓ હવે સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. ગુફામાં યાતનામય દિવસોને કારણે એમણે જે ત્રણેક કિલો વજન ગુમાવ્યું હતું એ તેમણે હવે ફરી હાંસલ કરી લીધું છે.

આ છોકરાઓ એક સ્થાનિક ફૂટબોલ ટીમના સભ્યો છે. 11-16 વર્ષની વયના આ બાળકો 23 જૂનથી ગુફામાં ફસાઈ ગયા હતા. એ દિવસે તેઓ એમની ફૂટબોલની પ્રેક્ટિસ પૂરી કરીને કોઈક નવી જગ્યાની ખોજ કરવાના સાહસ સાથે એ ગુફામાં ગયા હતા, પણ અચાનક ભારે વરસાદ શરૂ થતાં ગુફાનો પ્રવેશદ્વાર બ્લોક થઈ જતાં તેઓ ગુફામાં ફસાઈ ગયા હતા. અધૂરામાં પૂરું, વરસાદનાં પૂરનું પાણી ગુફામાં ઘૂસ્યું હતું. 18 દિવસો દરમિયાન તેઓ ગુફાની અંદર ઘૂસેલું વરસાદનું પાણી પીને જીવતા રહ્યા હતા.

httpss://twitter.com/twitter/statuses/1019551346440179713

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]