ગુવાહાટી – વેઈટલિફ્ટિંગની રમતમાં પ્રથમ દ્રોણાચાર્ય એવોર્ડવિજેતા પાલસિંહ સંધુનું માનવું છે કે મીરાબાઈ ચાનુ આગામી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાની ક્ષમતા ધરાવે છે.
ટોકિયો ગેમ્સ આ વર્ષના જુલાઈમાં શરૂ થવાની છે.
સંધુનું કહેવું છે કે ભારતમાં વેઈટલિફ્ટિંગ રમતનું ભવિષ્ય ઉજ્જવળ છે. આપણી પાસે મીરાબાઈ ચાનુ જેવી એથ્લીટ છે, જે વર્લ્ડ ચેમ્પિયન છે અને 2020ની ઓલિમ્પિક્સમાં એ ભારતને મેડલ અપાવે એવી મારી ધારણા છે.
સંધુએ ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’ના આયોજનની પ્રશંસા કરી છે. એમણે કહ્યું કે આ ખેલમહોત્સવથી ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતી શકે એવા એથ્લીટ્સ તૈયાર કરવાની તક મળી રહેશે.
સંધુએ કહ્યું કે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ જો 10 વર્ષ સુધી ચાલુ રહે તો આપણી પાસે આપણા ભાવિ ઓલિમ્પિક મેડલ્સ માટે એક સારું બેક-અપ તૈયાર કરી શકાય. આ ખેલમહોત્સવ દ્વારા ગામડાઓ અને શાળાઓમાં સંદેશા પહોંચ્યા છે કે બાળકોએ આ ગેમ્સમાં રમવું જોઈએ. આ ખૂબ સારી યોજના છે.
સંધુનું કહેવું છે કે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સના બે-ત્રણ મહિના પહેલાં જો રાષ્ટ્રીય સ્તરે આંતર-શાળા ગેમ્સ યોજવામાં આવે તો વધારે ટેલેન્ટેડ એથ્લીટ્સ હાંસલ કરી શકાય.
ભૂતપૂર્વ વેઈટલિફ્ટર સંધુ પહેલી વાર 1960-61માં સ્પર્ધામાં ઉતર્યા હતા. બાદમાં એ દેશમાં ઘણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેનેજર પદે પણ રહ્યા હતા.
સંધુ હાલ 79 વર્ષના છે.
સંધુએ 1960-61માં પહેલાં ભારતીય નૌકાદળની ટીમ વતી એક વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન પણ બન્યા હતા. બાદમાં પુરુષો અને મહિલાઓની ટીમોનાં કોચ પણ બન્યા હતા. ભારતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓના આયોજનમાં પણ સામેલ થયા હતા. પોતે કોમ્પીટિશન મેનેજર કે કોમ્પીટિશન ડાયરેક્ટર પદે પણ રહી ચૂક્યા હતા.