બીજી T20Iમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારત સિરીઝમાં 2-0થી આગળ

ઓકલેન્ડ – ટીમ ઈન્ડિયાએ સતત બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જીત મેળવી છે. આજે અહીં ઈડન પાર્ક ખાતે રમાઈ ગયેલી મેચમાં ભારતે યજમાન ટીમને 7-વિકેટથી આસાનીથી પરાજય આપીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ પ્રાપ્ત કરી છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતના બોલરોએ યજમાન બેટ્સમેનોને નિયંત્રણમાં રાખતાં ન્યૂઝીલેન્ડ ટીમ તેના હિસ્સાની 20 ઓવરમાં 132 રન જ કરી શકી હતી અને એમાં તેની પાંચ વિકેટ પડી ગઈ હતી.

તેના જવાબમાં, ભારતે 17.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 135 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ફોર્મેટમાં જોરદાર ફોર્મમાં રમતા ઓપનર અને વિકેટકીપર લોકેશ રાહુલ આજે અણનમ 57 રન ફટકાર્યા હતા.

સિરીઝની ત્રીજી મેચ 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

આજની મેચમાં, ભારતના બોલરોની ચોક્સાઈ અને કડક બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડનો એકેય બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો કે એની નજીક પણ પહોંચી શક્યો નહોતો. ઓપનર માર્ટિન ગપ્ટીલ અને વિકેટકીપર ટીમ સેઈફર્ટ, બંનેએ 33-33 રન કર્યા હતા. સેઈફર્ટ નોટઆઉટ રહ્યો હતો. અન્ય ઓપનર કોલીન મુનરોએ 26, કેપ્ટન વિલિયમ્સને 14, કોલીન ડી ગ્રેન્ડહોમે 3, રોસ ટેલરે 18 રન કર્યા હતા.

ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલરો – શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ અને મધ્યમ ઝડપી બોલર શિવમ દુબેએ 1-1 બેટ્સમેનને આઉટ કર્યો હતો.

ભારતના દાવમાં, ઓપનર રોહિત શર્મા માત્ર 8 રન કરી શક્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી 11 રન કરીને આઉટ થયા બાદ રાહુલ અને પહેલી મેચના હિરો શ્રેયસ ઐયરે (44) 86 રનની વિજયી ભાગીદારી કરી હતી. રાહુલે 50 બોલના દાવમાં બે સિક્સર અને 3 બાઉન્ડરી ફટકારી હતી તો ઐયરે 33 બોલનો સામનો કર્યો હતો અને 3 સિક્સર અને એક બાઉન્ડરી ફટકારી હતી.

ટ્વેન્ટી-20 ફોર્મેટમાં કે.એલ. રાહુલની છેલ્લી પાંચ ઈનિંગ્ઝનો સ્કોર…

91

45

54

56

57* (આજે)