મુલતાનઃ બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ ટીમે આજે અહીં પાકિસ્તાનને 26-રનથી હરાવીને બીજી ટેસ્ટ મેચ જીતી લીધી છે. આ સાથે ઈંગ્લેન્ડે 2-0ની અપરાજિત સરસાઈ મેળવીને ત્રણ-મેચની સીરિઝને પોતાના કબજામાં કરી લીધી છે. પાકિસ્તાનને મેચ જીતવા માટે 355 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આજે ચોથા દિવસે બીજા સત્રમાં પાકિસ્તાનની ટીમ તેના બીજા દાવમાં લડત આપીને 328 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પહેલી ટેસ્ટ ઈંગ્લેન્ડે 74-રનથી જીતી હતી.
સાઉદ શકીલ 94 રન સાથે પાકિસ્તાનનો ટોપ સ્કોરર રહ્યો હતો. ઈમામ ઉલ હકે 60 રન કર્યા હતા. એ સિવાય બીજો કોઈ પાક બેટર ઈંગ્લેન્ડના બોલરો સામે ઝીંક ઝીલી શક્યો નહોતો.
65 રનમાં 4 વિકેટ લેનાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વૂડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડે 2000-01 બાદ આ પહેલી વાર પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે. ઈંગ્લેન્ડની ટીમ 2005ની સાલ પછી આ પહેલી જ વાર પાકિસ્તાનની ધરતી પર રમવા આવી છે. બંને ટીમ વચ્ચેની ત્રીજી અને આખરી ટેસ્ટ આવતા શનિવારથી કરાચીમાં રમાશે.
(તસવીર સૌજન્યઃ @ICC)