જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડૂ પ્લેસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પણ એણે સંકેત આપ્યો છે કે આગામી T20 વર્લ્ડ કપમાં રમવા માટે તે ક્રિકેટમાં પુનરાગમન કરશે. એણે કહ્યું છે કે આ માટે તે સાઉથ આફ્રિકા વ્હાઈટ-બોલ (મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટ) ટીમના કોચ રોબ વોલ્ટર સાથે વાટાઘાટ કરી રહ્યો છે.
ડૂપ્લેસી 2020માં તેની છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જ્યારે એની કારકિર્દીની આખરી આંતરરાષ્ટ્રીય મેચ હતી પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચ, ફેબ્રુઆરી-2021માં. એણે અબુધાબી T-10 લીગના બ્રોડકાસ્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી શકું એમ છું. હું છેલ્લા બે વર્ષથી આ વિશે વાટાઘાટ કરી રહ્યો છું. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં T20 વર્લ્ડ કપ રમાવાની છે તો એમાં રમવા માટે હું કમબેક કરવા વિચારું છું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોવા છતાં ડૂપ્લેસી સાઉથ આફ્રિકામાં સ્થાનિક સ્તરની સ્પર્ધાઓમાં સારું રમી રહ્યો છે. આઈપીએલ સ્પર્ધામાં એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વતી રમે છે અને આ વર્ષની સ્પર્ધામાં એણે 14 મેચમાં 730 રન કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં સૌથી વધુ રન કરનાર બેટર્સમાં એ બીજા ક્રમે રહ્યો હતો. 39 વર્ષના ડૂપ્લેસીએ 2014 અને 2016ની T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ટીમનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું, પરંતુ નિવૃત્તિ જાહેર કરી ન હોવા છતાં છેલ્લી બે T20 વર્લ્ડ કપમાં એને ટીમમાં પસંદ કરવામાં આવ્યો નહોતો.