નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી માટે હરિયાણાસ્થિત દેશનાં દિગ્ગજ પુરુષ અને મહિલા પહેલવાનો દિલ્હીમાં ધરણા પર બેઠાં છે. તેમનાં આ આંદોલનને અનેક રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું છે, પરંતુ કુસ્તીબાજોના ટેકામાં બીજી કોઈ રમતના ખેલાડીઓ આગળ ન આવ્યાં નથી.
આ અંગે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે નારાજગી વ્યક્ત કરી છે. એણે કહ્યું, ‘આખો દેશ ક્રિકેટની પૂજા કરે છે, પરંતુ હજી સુધી એકેય ક્રિકેટરે અમારા આંદોલનને ટેકો આપ્યો નથી. શું અમે એટલા પણ લાયક નથી? જ્યારે કુસ્તીબાજ જીતે છે ત્યારે બધા ક્રિકેટરો એને અભિનંદન આપે છે. એમને માટે ટ્વીટ પણ કરે છે. તો હવે શું થયું? ખેલાડીઓને તંત્રનો શું એટલો બધો ડર લાગે છે?’