રાંચીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સમર્થનવાળી ડ્રોન સ્ટાર્ટઅપ કંપની ગરુડ એરોસ્પેસ કૃષિ ડ્રોન માટે કૃષિ સબસિડી આપનાર પહેલી સ્ટાર્ટઅપ બની છે. આ સબસિડી એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે હાથ ધરેલી ઝુંબેશના એક ભાગરૂપે છે.
આ સબસિડી યોજના અંતર્ગત DGCA કેન્દ્રીય એજન્સીએ મંજૂરી આપેલા ગરુડ કિસાન ડ્રોનનું મંગળવાર, 11 એપ્રિલના રોજ પુણેમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 8 ખેડૂતોને કૃષિ ડ્રોનનું વિતરણ કરાયું હતું. કૃષિ ડ્રોન સબસિડી એ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે શરૂ કરેલી યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે આર્થિક મદદ કરશે.
ગરુડ એરોસ્પેસ કંપનીમાં ધોનીનું મૂડીરોકાણ છે. આ કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી સાથે કિસાન ડ્રોન બનાવ્યા છે. તે બેટરીથી ચાલે છે અને દરરોજ 30 એકર જમીન પર કૃષિ જંતુનાશકોનો છંટકાવ કરવા માટે સક્ષમ છે. તામિલનાડુસ્થિત અગ્નિશ્વર જયપ્રકાશ આ ડ્રોન સ્ટાર્ટઅપના સંસ્થાપક અને સીઈઓ છે. ધોનીએ આ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તે આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.