લોર્ડ્સમાં ભારતીય દર્શકોએ ધોનીનો હુરિયો બોલાવ્યો હતો, પણ કોહલીએ બચાવ કર્યો

લંડન – શનિવારે અહીં લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ ભારતના વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બે અલગ અલગ રીતે યાદ રહી જશે.

ધોની માટે એ મેચની સવળી બાજુ એ હતી કે ધોનીએ વન-ડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ પૂરી કરી, જ્યારે અવળી બાજુ એ રહી કે સ્ટેડિયમમાં હાજર ભારતીય દર્શકોએ ધીમી બેટિંગ કરવા બદલ ધોનીનો હુરિયો બોલાવ્યો હતો.

ભારત એ મેચ 86 રનથી હારી ગયું હતું. ભારતની હારને કારણે ઈંગ્લેન્ડ ત્રણ-મેચોની સિરીઝને 1-1થી સમાન કરવામાં સફળ રહ્યું હતું. હવે બંને ટીમ નિર્ણાયક મેચ માટે 17 જુલાઈએ લીડ્સમાં ટકરાશે.

શનિવારની મેચમાં ધોની 37 બોલમાં 58 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

એક સમયે ભારતને જીત માટે 30 બોલમાં 110 રન કરવાની જરૂર હતી. ભારતે મેચ લગભગ ગુમાવી દીધી હતી. એમાંય ધોનીએ જ્યારે ડેવીડ વિલીની એક ઓવરના પહેલા ચાર બોલમાં એકેય રન ન બનાવતાં ભારતીય પ્રશંસકો ગુસ્સે થયા હતા અને અને દરેક બોલે ધોનીનો હુરિયો બોલાવ્યો હતો.

દર્શકોમાં એવી લાગણી હતી કે ધોનીએ ભારતને જિતાડવામાં પહેલ કરી નહોતી.

ભારતીય દર્શકોએ ધોનીનો હુરિયો બોલાવ્યો એનાથી ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અણનમ 113 રન કરનાર રૂટ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ઈંગ્લેન્ડે તેના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 322 રન કર્યા હતા. ભારતે એના જવાબમાં 50 ઓવરમાં 236 રન કર્યા હતા.

મેચ બાદ જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાઝિર હુસેને ધોનીના અભિગમ વિશે પૂછ્યું ત્યારે કોહલીએ કહ્યું કે જ્યારે ધોની એની ઈચ્છા મુજબ રમી શકતો નથી ત્યારે એની સાથે આવું થતું હોય છે. લોકો આટલી ઝડપે આવું માની લે એ આશ્ચર્યની વાત છે. જ્યારે ધોની રમે ત્યારે લોકો એને બેસ્ટ ફિનીશર કહે અને જ્યારે કંઈક અવળું ઉતરે ત્યારે લોકો એની ટીકા કરે. ધોની અનુભવી છે, પણ ક્યારેક બધું ઈચ્છા મુજબ પાર પડતું હોતું નથી. અમને એની પર પૂરો ભરોસો છે.