ટોક્યો ઓલિમ્પિકમાં મહિલાઓ મેડલ જીતવા વધુ સક્ષમ

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે સૌથી વધુ 127 ખેલાડીઓનું ભારતીય ગ્રુપ ગયું છે, જેમાં 10 રિઝર્વ  ખેલાડી પણ સામેલ છે. ભારતીય ગ્રુપના 127માંથી 71 એથ્લીટ પુરષો છે અને 56 મહિલાઓએ ભાગ લીધો છે. જોકે અન્ય દેશો ચીન, ગ્રેટ બ્રિટન અને કેનેડા જેવા દેશોની તુલના કરવામાં આવે તો એ દેશોમાંથી મહિલા એથ્લીટોની સંખ્યા પુરષો કરતાં વધુ છે.

ભારતીય મહિલા ગ્રુપ આ વખતે વિશેષ દેખાઈ રહ્યું છે, કેમ કે મેડલ જીત માટે દાવેદારીમાં તેઓ પુરુષોથી ઓછી નથી, બલકે સારી છે. ગઈ વખતે રિયો ઓલિમ્પિક દરમ્યાન ભારતના તમામ દિગ્ગજોએ નિરાશ કર્યા હતા અને છેલ્લે પીવી સિંધુ અને સાક્ષી મલિકે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું માન રાખ્યું હતું.

જોકે આ વખતે ટોક્યો ગેમ્સ દરમ્યાન મેડલ જીતવા માટે ભારતીય મહિલાઓ પર ઘણો દારોમદાર હશે, કેમ કે આ વખતે ભારતીય મહિલા ગ્રુપમાં અનુભવી સાનિયા મિર્ઝા અને મેરી કોમ જેવી મા છે તો મનુ ભાકર જેવી કિશોરી પણ છે.

વળી, પહેલવાન વિનેશ ફોગાટ- આ એથ્લીટોમાં સૌથી ખાસ છે, કેમ કે વિશ્વમાં તેનું રેન્કિંગ નંબર એક છે. દીપિકા કુમારી ભલે વર્લ્ડ નંબર વનની રેન્કિંગ ન હોય, પણ તે ત્રણ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ ચૂકી છે.

આ સિવાય મેરી કોમ સાનિયા મિર્ઝા અને મનુ ભાકર જેવી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.