ટોક્યો ઓલિમ્પિક્સઃ દીપિકાકુમારીનાં દેખાવ પર સૌની મીટ

ટોક્યોઃ કોરોનાવાઈરસ બીમારીને કારણે એક વર્ષની રાહ જોવડાવ્યા બાદ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ આવતીકાલથી અહીં શરૂ થશે. ભારતનાં કેટલાંક એથ્લીટ્સ-ખેલાડીઓ તરફથી મેડલ મળવાની આશા છે. એમાં રાંચીનિવાસી તીરંદાજ દીપિકાકુમારીનો પણ સમાવેશ થાય છે. દીપિકાકુમારી ઉપરાંત અન્ય ત્રણ પુરુષ તીરંદાજ – અતાનુ દાસ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ આ વખતની ઓલિમ્પિક્સમાં પ્રવેશ મેળવવામાં સફળ થયાં છે. આ રમતમાં પહેલી જ વાર મેડલ જીતવાની ભારતને આશા છે. દીપિકા અને અતાનુ પતિ-પત્ની છે. એમણે પેરિસ વર્લ્ડ કપ સ્પર્ધામાં મિક્સ્ડ જોડી હરીફાઈમાં ઉલ્લેખનીય દેખાવ કર્યો હતો. હવે તેઓ અહીં ઓલિમ્પિક્સમાં પણ એ દેખાવનું પુનરાવર્તન કરે એવી ધારણા રખાય છે. તીરંદાજીની આ હરીફાઈ શનિવારે યોજાશે.

ભારતે તીરંદાજીની રમતમાં લિમ્બા રામ, ડોલા બેનરજી જેવાં ખેલાડીઓને તૈયાર કર્યાં હતાં. એમણે તમામ સ્તરે જીત હાંસલ કરી હતી, પરંતુ ઓલિમ્પિક્સમાં નિષ્ફળતા મળી હતી. દીપિકા 15 વર્ષની વયથી જ તીરંદાજી રમી રહી છે. 2009માં એણે યૂથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ત્યારબાદ 2010માં નવી દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. પરંતુ 2012ની લંડન ઓલિમ્પિક્સ, 2016ની રિયો ઓલિમ્પિક્સમાં એ નિષ્ફળ ગઈ હતી. હવે આ તેની સળંગ ત્રીજી ઓલિમ્પિક ગેમ્સ છે.

દીપિકા કુમારી અને એનો પતિ અતાનુ દાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]