ટોક્યોઃ ભારતના કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ આજે અહીં ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીની રમતમાં જોરદાર દેખાવ કરીને સેમી ફાઈનલ મુકાબલામાં કઝાખસ્તાનના પહેલવાન નુરીસ્લામ સાનાયેવને પછાડીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આમ, આ ફ્રીસ્ટાઈલ કુસ્તી હરીફાઈમાં ભારતને કમસે કમ રજતચંદ્રક મળવાનું નિશ્ચિત થઈ ગયું છે. ઓલિમ્પિક્સ કુસ્તીની ફાઈનલમાં પ્રવેશ મેળવનાર દહિયા માત્ર બીજો જ ભારતીય પહેલવાન છે. સુશીલકુમાર આ રમતમાં રજતચંદ્રક જીતી ચૂક્યો છે. સુશીલ 2012ની લંડન ઓલિમ્પિક્સમાં ફાઈનલમાં પહોંચ્યો હતો, પણ તેમાં હારી જતાં રજતચંદ્રક મળ્યો હતો.
મુકાબલો પૂરો થવાને માત્ર બે જ મિનિટની વાર હતી અને 23 વર્ષીય દહિયા સાનાયેવ સામે 2-9થી પાછળ હતો. પણ એણે જોરદાર રીતે વળતી લડત આપી અને તાકાતનું વર્લ્ડ ક્લાસ પ્રદર્શન કરીને સાનાયેવને પછાડી દીધો હતો. હવે ફાઈનલ મુકાબલામાં દહિયાનો મુકાબલો આવતીકાલે ROC (રશિયન ઓલિમ્પિક કમિટી)ના પહેલવાન ઉગ્યેવ સાથે થશે, જે સ્પર્ધામાં તૃતિય ક્રમાંકિત છે.
ભારતના કે.ડી. જાધવ 1952ના હેલસિન્કી ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતનાર એ પહેલા જ ભારતીય એથ્લીટ હતા. ત્યારબાદ સુશીલકુમારે 2008ની બીજિંગ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને ત્યારબાદ 2012માં લંડન ગેમ્સમાં એણે પોતાનો દેખાવ સુધારીને રજત ચંદ્રક જીત્યો હતો.
આ જ કુસ્તીની રમતમાં એક અન્ય હરીફાઈમાં જોકે ભારતનો એક અન્ય પહેલવાન સેમી ફાઈનલમાં હારી ગયો. 86 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ કુસ્તી હરીફાઈમાં દીપક પુનિયાનો અમેરિકાના ડેવિડ ટેલર સામે પરાજય થયો છે. પુનિયાને જોકે કાંસ્યચંદ્રક જીતવાની એક તક છે. એ આવતીકાલે રીપેચેજ રાઉન્ડ મેચમાં રમશે અને તે જીતશે તો એને કાંસ્યચંદ્રક મળશે.