દીપક ચહરે સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો નવો આઈપીએલ રેકોર્ડ બનાવ્યો

ચેન્નાઈ – આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે આ સ્પર્ધાના ઈતિહાસમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો વિક્રમ પોતાને નામે કર્યો છે.

જમણેરી ફાસ્ટ બોલર ચહરે ગઈ કાલે અહીં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં રમતી વખતે આઈપીએલના એક જ દાવમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો નવો વિક્રમ સર્જ્યો છે.

ચહરે ગઈ કાલની મેચમાં 20 ડોટ બોલ ફેંક્યા હતા.

આ પહેલાં, આઈપીએલની એક જ મેચમાં સૌથી વધારે ડોટ બોલ ફેંકવાનો વિક્રમ રાશિદ ખાન અને અંકિત રાજપૂતના નામે હતો, જેમણે 18-18 બોલમાં એકેય રન આપ્યો નહોતો.

ગઈ કાલની મેચમાં, ચહરે અત્યંત ઘાતક બોલિંગ કરી હતી અને એણે કોલકાતાના 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા – ક્રિસ લીન (9), રોબીન ઉથપ્પા (6) અને નીતિશ રાણા (0).

26 વર્ષના ચહરે મોટી કમાલ તો ત્યારે કરી જ્યારે એણે કોલકાતાના દાવની 19મી અને પોતાની આખરી ઓવરમાં પાંચ ડોટ બોલ ફેંક્યા હતા. એ કોલકાતાના બિગ-હિટર આન્દ્રે રસેલને પણ નિયંત્રણમાં રાખવામાં સફળ થયો હતો.

ચહરના બોલિંગ પરફોર્મન્સને કારણે કોલકાતાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 108 રન કરી શકી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તેના જવાબમાં 16 બોલ ફેંકાવાના બાકી રાખીને અને 3 વિકેટ ગુમાવીને જીતનો ટાર્ગેટ ચેઝ કરીને જીત હાંસલ કરી ગઈ હતી.

આ જીત સાથે ચેન્નાઈ ટીમ પોઈન્ટ્સ ટેબલમાં મોખરે રહી છે. અત્યાર સુધીમાં એ છ મેચ રમી છે અને એમાંથી પાંચ જીતી છે.

ચેન્નાઈનો હવે પછીનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે 11 એપ્રિલે, જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં.