તેંડુલકરના ‘સુપર ફેન’ સુધીરને મળ્યો એવોર્ડ

દંતકથા સમાન ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરને તો એમની ક્રિકેટ કારકિર્દી દરમિયાન ઘણા એવોર્ડ મળ્યા હતા અને અત્યારે પણ અલગ સ્તરે મળી રહ્યા છે. તેંડુલકરની જેમ બીજા ઘણા ક્રિકેટરો અને ખેલાડીઓને પણ અસંખ્ય એવોર્ડ મળ્યા હશે, પણ એમના કોઈ ચુસ્ત પ્રશંસકને એવોર્ડ મળ્યો હોવાના સમાચાર ક્યારેય વાંચવામાં આવ્યા નહીં હોય. આખરે હવે એવા એક સમાચાર આવ્યા છે. તેંડુલકરના એક પ્રખર પ્રશંસક સુધીર કુમારને પણ એક એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

સુધીરકુમાર ચૌધરી (ગૌતમ) નામના આ પ્રશંસક બહુ જાણીતા છે. એ ભારતીય ટીમની લગભગ દરેક મોટી ક્રિકેટ મેચમાં એમના શરીર પર ભારતીય તિરંગાનાં રંગો ચોપડીને અને ‘તેંડુલકર 10’, ‘ઈન્ડિયા’ નામ ચીતરીને સ્ટેડિયમમાં તિરંગો ફરકાવતા ટીવી સ્ક્રીન પર અનેકવાર જોવા મળતા રહ્યા છે.

તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા બાદ સુધીર ઘણી મેચોમાં ‘મિસ યુ તેંડુલકર 10’ શબ્દોવાળા ચિતરામણ સાથે સ્ટેન્ડમાં જોવા મળતા હોય છે.

આ સુધીરને મળ્યો છે ‘ગ્લોબલ ફેન એવોર્ડ’, જે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થા તરફથી આપવામાં આવશે. આ સંસ્થા બ્રિટનમાં સ્થપાયેલી છે.

સુધીરની સાથે અન્ય ચાર પ્રશંસકોને પણ આ સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવશે.

કટ્ટર પ્રશંસકોનું બહુમાન કરવા અને એમના જુસ્સાની વિશાળ સ્તરે નોંધ લેવાય એવા આશય સાથે ઈન્ડિયન સ્પોર્ટ્સ ફેન સંસ્થાએ આ એવોર્ડની સ્થાપના કરી છે. આ એવોર્ડ સુધીર તથા અન્યોને ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં એક્લીસ ટાઉન હોલમાં નિર્ધારિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

સુધીરે કહ્યું છે કે 18 વર્ષ પછી તેમજ 319 વન-ડે ઈન્ટરનેશનલ મેચો, 66 ટેસ્ટ મેચો, 73 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 68 આઈપીએલ અને ત્રણ રણજી ટ્રોફી મેચોમાં દર્શક તરીકે ભાગ લીધા બાદ એમને આ પહેલો એવોર્ડ મળ્યો છે.

પોતાને મળેલા આ એવોર્ડથી બીજા ઘણાય લોકોને પ્રેરણા મળશે એવું સુધીરનું માનવું છે.

સુધીરે પોતાને મળેલો આ એવોર્ડ પોતે જેમને ભગવાન, પ્રેરણામૂર્તિ માને છે એ ‘સચીન તેંડુલકર સર’ને અર્પણ કર્યો છે.

બ્રિટનમાં આ એવોર્ડની સ્થાપના કરવામાં આઈએસએફ સંસ્થાને ભારતના જાણીતા બોક્સર મનોજ કુમારનો ટેકો મળ્યો છે, એવું સંસ્થાના પ્રતિનિધિ કુલદીપ અહલાવતે કહ્યું છે.