રોહિત શર્માએ લોનાવલાનો બંગલો સવા પાંચ-કરોડમાં વેચ્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અને મુંબઈના રહેવાસી રોહિત શર્માએ મુંબઈ નજીકના રમણીય સ્થળ લોનાવલામાંનો બંગલો રૂ. પાંચ કરોડ 25 લાખમાં વેચ્યો છે. આ બંગલો મુંબઈનિવાસી સુષ્મા સરાફે ખરીદ્યો છે. આ બંગલો 6,329 સ્ક્વેર-ફૂટ એરિયાનો છે. રોહિતે આ સોદા માટે સ્ટેમ્પ ડ્યૂટી પેટે રૂ. 25 લાખ ચૂકવ્યા હોવાનું પણ કહેવાય છે. કહેવાય છે કે રોહિતે આ બંગલો 2016માં 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ત્યારે સ્ટેમ્પ ડ્યૂટી પેટે 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આમ, એના કરતાં પણ 75 લાખ ઓછી કિંમતે એણે બંગલો વેચી દીધો છે. ‘ડિસ્કવરી’ નામવાળો આ બંગલો સસ્તામાં વેચવાની એને કેમ જરૂર પડી એ હજી સ્પષ્ટ થયું નથી.

સુષ્મા સરાફે રોહિતના વિલાને ખરીદવા માટે ગઈ 1 જૂને કોન્ટ્રાક્ટ પર સહી કરી હતી. મુંબઈ અને પુણે શહેરમાં વસતા ઘણા સેલિબ્રિટી અને શ્રીમંત લોકોએ લોનાવલામાં બીજું ઘર ખરીદ્યું છે. શ્રીમંતોમાં લોકપ્રિય એવા મુંબઈ નજીક અને મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં આવતા આવા અન્ય સ્થળો છે – કર્જત, શાહપુર, અલીબાગ અને ખોપોલી. રોહિત હાલ ઈંગ્લેન્ડ ગયો છે. ત્યાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી પાંચ-ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. રોહિત સાથે એની પત્ની રીતિકા અને પુત્રી સમાઈરા પણ ગયાં છે. રોહિત શર્મા મધ્ય મુંબઈમાં પ્રભાદેવી ઉપનગરમાં રહે છે.