એડીલેડઃ ભારતીય ટીમે આજે અહીં ગ્રુપ-2માં રોમાંચક નિવડેલા મુકાબલામાં બાંગ્લાદેશને ડીએલએસ મેથડ અનુસાર, પાંચ-રનથી પરાજય આપતાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધાની સેમી ફાઈનલમાં પહોંચવાનો તેનો માર્ગ મોકળો થયો છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે કે.એલ. રાહુલના 50 અને વિરાટ કોહલીના અણનમ 64 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 184 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના ઓપનર લિટન દાસે પડકાર ઝીલી લીધો હતો અને માત્ર 21 બોલમાં જ હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી. લિટન દાસ ભારતને આંચકો આપશે એવું લાગતું હતું ત્યાં જ વરસાદ પડ્યો હતો. વરસાદ અટકી ગયા બાદ બાંગ્લાદેશ માટે ટાર્ગેટ બદલીને 16 ઓવરમાં 151 રનનો કરવામાં આવ્યો હતો. વરસાદના તે બ્રેક બાદ ભારતીય ટીમનું નસીબ બદલાયું હતું. લિટન દાસ (60 રન, 27 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) રાહુલના સીધા થ્રોને કારણે રનઆઉટ થયો હતો. તે પછી બાંગ્લાદેશના ચાર બેટ્સમેન નિષ્ફળ ગયા હતા. વિકેટકીપર નુરુલ હસન (25* અને તસ્કીન એહમદ (12*)ની જોડીએ થોડોક પ્રતિકાર કર્યો હતો. મેચની આખરી ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી. એમાં બાંગ્લાદેશને જીત માટે 20 રન કરવાની જરૂર હતી. અર્શદીપે 14 રન આપ્યા હતા. છેલ્લા બોલમાં સિક્સર લાગી હોત તો મેચ સુપર-ઓવરમાં ગઈ હોત. બાંગ્લાદેશ ટીમ 16 ઓવરમાં 6 વિકેટે 145 રન કરી શકી હતી. વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.
આ જીત સાથે ભારત પોતાના ગ્રુપમાં છ પોઈન્ટ સાથે ફરી મોખરે આવી ગયું છે. સાઉથ આફ્રિકાના પાંચ, બાંગ્લાદેશના 4, ઝિમ્બાબ્વેના 3, પાકિસ્તાનના બે પોઈન્ટ છે. ભારતીય ટીમ હવે 6 નવેમ્બરે મેલબોર્નમાં ઝિમ્બાબ્વે સામે રમશે, જે સુપર-12 રાઉન્ડની આખરી મેચ હશે. ત્યારબાદ 9મીએ સિડનીમાં પહેલી સેમી ફાઈનલ અને 10મીએ એડીલેડમાં બીજી સેમી ફાઈનલ રમાશે. 13મીએ મેલબોર્નમાં ફાઈનલ રમાશે.
(તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર)