કોહલી, અનુષ્કાએ PM-CM રાહત ભંડોળમાં 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાઈરસ રોગચાળાને નાથવા માટે શરૂ કરવામાં આવેલા જંગ માટે વડા પ્રધાનના રાહત ભંડોળ તથા મુખ્ય પ્રધાન (મહારાષ્ટ્ર)ના રાહત ભંડોળમાં દાન આપ્યું છે.

સૂત્રના જણાવ્યા મુજબ, કોહલી અને અનુષ્કાએ સાથે મળીને રૂ. 3 કરોડની રકમનું દાન આપ્યું છે.

કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું, ‘અનુષ્કા અને હું પીએમ-કેર્સ ફંડ અને ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડ (મહારાષ્ટ્ર) માટે અમારી સહાયતાનો સંકલ્પ કરીએ છીએ. ઘણા લોકોની યાતના જોઈને અમારું દિલ દ્રવી ઊઠ્યું છે અને અમને આશા છે કે અમારું યોગદાન આપણા સાથી નાગરિકોની પીડા ઓછી કરવામાં મદદરૂપ થશે. #IndiaFightsCorona.”

અનુષ્કાએ પણ પોતાના ટ્વીટમાં ઉપર મુજબ જ જણાવ્યું છે.

બંનેએ સંયુક્ત નિવેદનમાં, આ સ્ટાર દંપતીએ કહ્યું કે, અમે પીએમ-કેર્સ ફંડ અને ચીફ મિનિસ્ટર્સ રિલીઝ ફંડ (મહારાષ્ટ્ર) માટે અમારા સમર્થનનો સંકલ્પ કરીએ છીએ.

કોહલી અને અનુષ્કાએ લોકોને અપીલ પણ કરી છે કે સહુ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા એકબીજા સાથે ઓછામાં ઓછું એક મીટરનું સામાજિક અંતર જાળવી રાખે અને ભીડથી દૂર રહે, ભીડ ન કરે.

ઉલ્લેખનીય છે કે, મહાન નિવૃત્ત બેટ્સમેન સચીન તેંડુલકરે કોરોના વાઈરસ સામેની લડાઈ લડવા માટે 50 લાખ રૂપિયા અને ક્રિકેટર સુરેશ રૈનાએ બાવન લાખ રૂપિયાનું દાન કર્યું છે.

આર્થિક યોગદાન આપનાર અન્ય ખેલાડીઓમાં બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુ, પહેલવાન બજરંગ પુનિયા, રનર હિમા દાસ અને બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો પણ સમાવેશ થાય છે.

ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ વડા પ્રધાન રાહત ભંડોળમાં 51 કરોડનું યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, બંગાળ ક્રિકેટ એસોસિએશન અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશને પણ અનુક્રમે 42 કરોડ, 25 કરોડ અને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

ક્રિકેટ બંધુઓ – ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે પોલીસ અને આરોગ્ય વિભાગોને 4 હજાર માસ્ક દાનમાં આપ્યા છે.