નવી દિલ્હી: કોરોના વાઈરસને પગલે વિદેશ પ્રવાસ સંબંધી સરકારની ચેતવણીને લઈને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ફ્રેન્ચાઇઝીઓ, વિદેશી ખેલાડીઓને 14 દિવસ માટે એકાંતવાસમાં રાખવા તૈયાર છે. પરંતુ અત્યારે ફ્રેન્ચાઈઝીઓ ખેલાડીઓને વિઝા મળવાની રાહ જોઇ રહી છે. 31 માર્ચ સુધી સરકારે કેટલાક દેશોના લોકોને ભારતમાં પ્રવેશ સ્થગિત કરી દીધો છે.
સોમવારે સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર યુએઈ, કતાર, ઓમાન, કુવૈતથી ભારત આવતા લોકોને ઓછામાં ઓછા 14 દિવસ એકાંતવાસમાં રાખવામાં આવશે. આ ઉપરાંત યુરોપિયન યુનિયનના સભ્ય દેશો, યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, તુર્કી અને ગ્રેટ બ્રિટનના લોકોને પણ ભારત આવતા રોકવાનું કહેવામાં આવ્યું છે.
એક આઈપીએલ અધિકારીના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટના ભવિષ્યને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ અંગે દર સપ્તાહે બેઠક મળશે અને વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા પહેલા તેમને પાંચ દિવસનો બ્રેક આપવામાં આવશે.