લંડનઃ ભારતનો ટોપ ઓર્ડર બેટર ચેતેશ્વર પૂજારા હાલ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 સ્પર્ધામાં સસેક્સ ટીમ વતી રમી રહ્યો છે. કોન્ટ્રાક્ટ કરતી વખતે આમ તો એને બેટર તરીકે જ પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ લેસ્ટરશાયર સામેની મેચમાં એણે સ્પિન બોલિંગ પણ કરી હતી. આમ કરીને એણે તેની ટેલેન્ટની એક જુદી બાજુ પણ પ્રદર્શિત કરી હતી.
પૂજારાએ તે મેચના ત્રીજા દિવસની રમત દરમિયાન ઓફ્ફ-સ્પિન બોલિંગમાં એક ઓવર ફેંકી હતી, જેમાં એણે આઠ રન આપ્યા હતા. હરીફ બેટર વિઆન મુલ્ડરે એક બાઉન્ડરી ફટકારી હતી. પૂજારાએ આ પહેલી જ વાર બોલિંગ નથી કરી. અગાઉ, ટેસ્ટ ક્રિકેટમાં તે એક ઓવર ફેંકી ચૂક્યો છે. સ્પિન બોલિંગ દ્વારા એણે કુલ છ વિકેટ લીધી છે. પૂજારા સસેક્સ વતી રમતાં ગયા એપ્રિલ-મે મહિનામાં તેનું બેટિંગ ફોર્મ પાછું મેળવવામાં સફળ રહ્યો હતો. એણે બે ડબલ સેન્ચુરી અને બે સેન્ચુરી ફટકારી હતી. એને પગલે જ તે ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો. એને ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચ માટેની ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. બીજા દાવમાં એણે 66 રન કર્યા હતા.