વન-ડે ક્રિકેટમાં 250-સિક્સર ફટકારી: રોહિત પહેલો ભારતીય

લંડનઃ ગઈ કાલે અહીંના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ ગયેલી શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 10-વિકેટથી આપેલા પરાજયના પરિણામ સાથે આ મેચ કેપ્ટન રોહિત શર્મા માટે અંગત રીતે યાદગાર બની રહી. તે વન-ડે ક્રિકેટમાં 250 સિક્સર ફટકારનાર પહેલો ભારતીય બેટર બન્યો છે. ગઈ કાલની મેચ જીતવા માટે ભારતને 111 રનનો મામુલી ટાર્ગેટ મળ્યો હતો. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે એની કારકિર્દીના શ્રેષ્ઠ દેખાવ રૂપે 7.2 ઓવરમાં 19 રન આપીને 6 વિકેટ લેતાં ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમાં, રોહિત શર્મા (58 બોલમાં 76 રન નોટઆઉટ) અને શિખર ધવન (54 બોલમાં 31 રન નોટઆઉટ)ની જોડીએ વિકેટ ગુમાવ્યા વગર 18.4 ઓવરમાં 114 રન ફટકારીને મેચ જીતી લીધી. શર્માએ પાંચ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. 3-મેેચોની શ્રેણીમાં ભારત 1-0થી આગળ થયું છે. બીજી મેચ 14 જુલાઈએ લંડનમાં જ લોર્ડ્સ મેદાન પર રમાશે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વન-ડે ક્રિકેટમાં 259 દાવમાં 250 સિક્સર ફટકારી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે આટલી સિક્સર મારવા માટે 268 દાવ લીધા હતા. રોહિતે માત્ર 224 દાવમાં આ સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. આમ, તેણે આફ્રિદી અને ગેલને પાછળ રાખી દીધા છે.

રોહિતે નામે વન-ડે ક્રિકેટમાં અન્ય વિક્રમઃ

ઈંગ્લેન્ડની ધરતી પર વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાનો વિક્રમ પણ પોતાને નામે કર્યો છે. એણે ઈંગ્લેન્ડમાં આ ફોર્મેટમાં સાત સદી અને સાત અડધી સદી ફટકારી છે.

છેલ્લા પાંચ વર્ષમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારવાનો વિક્રમ રોહિતના નામે છે. એ છેલ્લા પાંચ વર્ષમાં 126 સિક્સર ફટકારી ચૂક્યો છે. બીજા ક્રમે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ (93) અને જોની બેરસ્ટો (79) છે.