મુંબઈ – વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન બ્રાયન લારાને છાતીમાં દુખાવો ઊપડતાં આજે અહીંના પરેલ ઉપનગરની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમાચાર એએનઆઈ સમાચાર સંસ્થાએ ટ્વીટ દ્વારા આપ્યા છે. હોસ્પિટલ તરફથી આ વિશે નિવેદન બહાર પડાય એની રાહ જોવાઈ રહી છે. લારાને ગ્લોબલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
લારા આઈસીસી વર્લ્ડ કપ-2019ના સત્તાવાર બ્રોડકાસ્ટર્સ માટે ક્રિકેટ નિષ્ણાત તરીકે ભારત આવ્યા છે. વર્લ્ડ કપ સ્પર્ધા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે.
લારા મુંબઈમાં સ્ટાર સ્પોર્ટ્સ માટે એક્સપર્ટ પેનલના સભ્ય તરીકે સ્ટુડિયોમાંથી કોમેન્ટરી આપે છે અને ક્રિકેટ શોમાં ભાગ પણ લે છે.
લારાએ 2019ની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધા વખતે પણ એક્સપર્ટ બ્રોડકાસ્ટ પેનલના એક સભ્ય તરીકે ભાગ લીધો હતો.
2019ની આઈપીએલ સ્પર્ધા વખતે લારા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને મુંબઈના રસ્તા પર ગલી ક્રિકેટ પણ રમ્યા હતા. એમની સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી પણ હતા.
50 વર્ષીય લારા ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં, એક જ દાવમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર – 400* રન કરવાનો વિશ્વવિક્રમ ધરાવે છે. તેઓ વેસ્ટ ઈન્ડિઝ વતી 131 ટેસ્ટ મેચ રમ્યા હતા જેમાં 52.89ની સરેરાશ સાથે લગભગ 12,000 રન કર્યા હતા. તેઓ 299 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યા હતા જેમાં 40.17ની સરેરાશ સાથે 10,405 રન કર્યા હતા.