ભારત-પાક વર્લ્ડ કપ મેચ વખતે પ્રેમીપંખીડાએ જ્યારે એમનું ‘મેચ-ફિક્સિંગ’ કરી લીધુ!

લંડન – ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ 10-ટીમો વચ્ચે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા રમાઈ રહી છે. ગઈ 16 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ રમાઈ ગઈ. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી એ મેચને ભારતીય દર્શકોએ ખૂબ માણી હતી, કારણ કે ટીમ ઈન્ડિયા એમાં વિજયી થઈ હતી. એ મેચના પ્રસંગને આધાર બનાવીને એક ભારતીય પ્રેમીયુગલે પણ એની અનોખી રીતે ઉજવણી કરી હતી અને તે દિવસ તથા સ્થળને એમણે એમની જિંદગીમાં યાદગાર બનાવી દીધા.

તે મેચ ચાલુ હતી ત્યારે પ્રેમી યુવકે સ્ટેન્ડમાં, સૌની હાજરીમાં જ એની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એ વખતે તે છોકરી શું બોલી હતી તે એક વિડિયોમાં શૂટ કરવામાં આવ્યું છે. એ વિડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

ભારત-પાકિસ્તાન મેચ ચાલુ હતી ત્યારે યુવકે એના ખિસ્સામાંથી વીંટી કાઢી હતી અને એની ગર્લફ્રેન્ડ સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ યુવકે તે છોકરીને બધાયની સામે પ્રપોઝ કર્યું હતું. એ છોકરીને મોટું આશ્ચર્ય થયું હતું એવું એનાં હાવભાવ પરથી જોઈ શકાય છે. ખુશ થઈને તે છોકરાને ભેટી પડી હતી.

પ્રેમિકાને પ્રપોઝ કરવાના પ્રેમીના આઈડિયાને ત્યાં હાજર એમનાં મિત્રો તેમજ અન્ય દર્શકોએ આનંદની ચિચિયારીઓ પાડીને વધાવી લીધો હતો.

httpss://twitter.com/BebuJ/status/1142012089109811200