બગાસું ખાવું એ તો સામાન્ય બાબત છે, મેં કોઈ પાપ નથી કર્યું: સરફરાઝ એહમદ

લંડન – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં ભારત સામેની મેચમાં પરાજયને કારણે પાકિસ્તાનની ટીમની ટીકા થઈ છે, પણ એ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે એનો કેપ્ટન સરફરાઝ એહમદ બગાસું ખાતો કેમેરામાં ઝડપાઈ જતાં એની ડબલ ઝાટકણી કાઢવામાં આવી છે.

ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેની તે મેચ પાકિસ્તાન 89 રનથી હારી ગયું હતું.

બગાસું ખાતા સરફરાઝનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને એ વ્યાપક રીતે ટ્રોલ કરાયો હતો.

પરંતુ હવે ગઈ કાલે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને પરાજય આપ્યા બાદ પાકિસ્તાન ટીમના ટીકાકારો ટાઢા પડી ગયા છે.

એનો લાભ લઈને સરફરાઝે બગાસા વિશે લોકોની ટીકાનો જવાબ આપી દીધો છે. એણે કહ્યું, બગાસું ખાવું એ તો સામાન્ય બાબત છે. એમાં મેં કોઈ પાપ નથી કર્યું. મારા બગાસા ખાવાના મુદ્દે જો લોકોએ પૈસા બનાવ્યા હોય તો એ સારી વાત કહેવાય.

ગઈ કાલે દક્ષિણ આફ્રિકાની મેચમાં હેરિસ સોહેલની બેટિંગના સરફરાઝ એહમદે મુક્તકંઠે વખાણ કર્યા છે. ‘અમારા હેરિસ સોહેલે લોર્ડ્સ મેચમાં ઈંગ્લેન્ડના જોસ બટલરની સ્ટાઈલમાં બેટિંગ કરી હતી. અમે એ મેચ માટે અમારા કોમ્બિનેશનમાં ફેરફાર કર્યો હતો. ક્યારેક ફેરફાર ટીમ માટે સારું પરિણામ લાવી દે છે,’ એમ સરફરાઝે કહ્યું.

પરંતુ ટીમની ફિલ્ડિંગની સરફરાઝે ટીકા કરી હતી. ‘અમારે ફિલ્ડિંગ પર વધારે મહેનત કરવી પડશે. અમે રવિવારની મેચમાં ઘણા કેચ પડતા મૂક્યા હતા. અમારી હવે પછીની ત્રણેય મેચ મહત્ત્વની છે,’ એમ તેણે કહ્યું.