પહેલી વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 6-વિકેટથી પરાજય

લંડન – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ વર્લ્ડ કપ-2019 જીતવા માટે ફેવરિટ ટીમોમાંની એક છે, પણ શનિવારે રમાઈ ગયેલી પહેલી વોર્મ-અપ મેચમાં એનો આંચકાજનક પરાજય થયો હતો.

ઓવલ મેદાન પર રમાઈ ગયેલી મેચમાં ભારતને હરાવવામાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ડાબોડી ફાસ્ટ બોલરે હવામાનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને 33 રનમાં 4 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ 39.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ન્યુઝીલેન્ડે 37.1 ઓવરમાં 4 વિકેટના ભોગે 180 રન કરીને મેચ જીતી લીધી હતી. ભારતની બીજી વોર્મ-અપ મેચ 28 મેએ બાંગ્લાદેશ સામે સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ ખાતે રમાશે.

ગઈ કાલની વોર્મ અપ મેચમાં, ન્યુઝીલેન્ડના રોસ ટેલરે 71, કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન કર્યા હતા. ભારત વતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બે રનમાં 1 વિકેટ લીધી હતી.

ટેલર-વિલિયમ્સનની જોડીએ મોટી ભાગીદારી કરતાં એમની ટીમે 13 ઓવર ફેંકાવાની બાકી રાખીને મેચ જીતી લીધી હતી.

ટ્રેન્ટ બોલ્ટે રોહિત શર્મા, શિખર ધવનને વ્યક્તિગત 2-2 રનમાં આઉટ કર્યા હતા. ત્યારબાદ એણે રવિન્દ્ર જાડેજા (54) અને હાર્દિક પંડ્યા (30)ને આઉટ કર્યા હતા. આ બે જ બેટ્સમેન 19 રનના આંકથી આગળ નીકળી શક્યા હતા.

કેપ્ટન કોહલી 18 રન કરીને મધ્યમ ઝડપી બોલર કોલીન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં ક્લીન બોલ્ડ થયો હતો.

2011ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 7 વિકેટે 91 રન હતો અને ટીમ 100ની અંદર આઉટ થઈ જશે એવું જોખમ ઊભું થયું હતું, પણ જાડેજાએ આક્રમક બેટિંગ કરી હતી. એણે પોતાના દાવમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. પૂંછડિયા બેટ્સમેનોએ એને સાથ આપ્યો હતો.

ન્યુઝીલેન્ડના અન્ય ફાસ્ટ બોલર જેમ્સ નીશામે 26 રનમાં 3 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ સ્પર્ધા 30 મેથી શરૂ થશે. ભારતની પહેલી મેચ પાંચમી જૂને દક્ષિણ આફ્રિકા સામે રોઝ બાઉલ (સાઉધમ્પ્ટન)માં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]