ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીઓમાં નો-બોલ માટે કેમેરા સ્પોટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

મુંબઈ – ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઘરઆંગણે રમાનાર આગામી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ અને વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એક પ્રયોગ કરવાનું છે. નો-બોલના સચોટ નિર્ણયો માટે એ કેમેરા સ્પોટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિચારે છે.

આ શ્રેણીઓમાં અમ્પાયરોથી એક નો-બોલનો નિર્ણય છૂટી ન જાય એની બીસીસીઆઈ તકેદારી લેવા માગે છે.

બીસીસીઆઈનો હેતુ આ ટેક્નોલોજીનો બાદમાં આવતા વર્ષની આઈપીએલ સ્પર્ધામાં કરવાનો છે.

વાસ્તવમાં, ક્રિકેટ બોર્ડે આ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનું હાલમાં જ ભારત-બાંગ્લાદેશ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં જ શરૂ કરી દીધું હતું અને હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓ વખતે એનો વધુ ઉપયોગ કરવા માગે છે.

રન આઉટ નિર્ણયો નક્કી કરવા માટે જે કેમેરા ટેક્નોલોજી વપરાય છે એનો જ ઉપયોગ બીસીસીઆઈ નો-બોલ નિર્ણયો માટે પણ કરી રહી છે. અમ્પાયરોની નજર ઘણી વાર બોલરોના આગળના પગ પરથી ચૂકાઈ જતી હોય છે. બોલરો ઘણી વાર એમનો આગળનો પગ ઘણી વાર ક્રીઝની બહાર મૂકીને બોલ ફેંકતા હોય છે.

ક્રિકેટ બોર્ડનું માનવું છે કે જો આપણને ટેક્નોલોજીની મદદ મળે છે તો નો-બોલ મામલે પણ એનો ઉપયોગ શા માટે ન કરીએ? કોઈ પણ બેટ્સમેનને ભોગવવું ન પડે એ જ હેતુ છે.

બીસીસીઆઈના જોઈન્ટ સેક્રેટરી જયેશ જ્યોર્જે કહ્યું છે કે ભૂતકાળમાં ઘણી વાર જોવામાં આવ્યું છે કે અમ્પાયરો ફ્રન્ટ ફૂટ નો-બોલ ઘોષિત કરવાનું ચૂકી જતા હોય છે. હવે ટેક્નોલોજી એ સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. એમાં ઘણું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી સિરીઝમાં પણ ચાલુ રાખવામાં આવશે.

કેમેરા પ્રતિ સેકંડ 300 ફ્રેમ્સ ક્લિક્સ કરતા હોય છે તેથી નો-બોલ નિર્ણય આપવામાં મદદ મળશે.

જો બધું બરાબર રીતે પાર પડશે તો આવતા વર્ષની આઈપીએલમાં રેગ્યૂલર અમ્પાયરો ઉપરાંત એક વધુ અમ્પાયર પણ નિયુક્ત કરાશે જે માત્ર નો-બોલના નિર્ણયો જ આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]