લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અને બોલરને BCCIએ ફટકાર્યો દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે શાનદાર જીત હાંસલ કરનાર લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના કેપ્ટન રિષભ પંત અને બોલર દિગ્વેશ સિંહ રાઠીને BCCIએ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો છે. આ મેચ 4 એપ્રિલ, શુક્રવારે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં લખનઉએ 12 રનથી વિજય મેળવ્યો હતો. જોકે, આ જીતની ખુશીની સાથે ટીમને નિયમોના ભંગની સજા પણ ભોગવવી પડી.

રિષભ પંત પર ધીમી ઓવર રેટ જાળવવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. IPL આચારસંહિતાની કલમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓને લગતી છે, આ સિઝનમાં લખનઉનો આ પ્રથમ ગુનો હોવાથી પંતને આ રકમનો દંડ ફટકારવામાં આવ્યો. મેચ દરમિયાન લખનઉની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી.

બીજી તરફ, લખનઉના બોલર દિગ્વેશ સિંહ રાઠી પર પણ ગંભીર આરોપ હેઠળ દંડ લાદવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં એક બેટ્સમેનને આઉટ કર્યા બાદ દિગ્વેશે ફરીથી ‘નોટબુક સેલિબ્રેશન’ કર્યું, જેને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું. આ સિઝનમાં આચારસંહિતાની કલમ 2.5 હેઠળ આ તેનો બીજો લેવલ 1 ગુનો હતો, જેના પરિણામે તેની મેચ ફીના 50 ટકા દંડ તરીકે કાપવામાં આવ્યા અને તેને બે ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા. આ પહેલાં પણ 1 એપ્રિલ, 2025ના રોજ પંજાબ કિંગ્સ સામેની મેચમાં આવા જ એક સેલિબ્રેશન માટે તેને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. લેવલ 1ના ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા ગણાય છે.