2022થી આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા થશે 10-ટીમની

અમદાવાદઃ 2022ની સાલથી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)માં બે ટીમનો ઉમેરો કરવામાં આવશે. તેથી સ્પર્ધા હાલની 8-ટીમને બદલે 10-ટીમની થશે. આ નિર્ણય આજે અહીં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની મળેલી વાર્ષિક સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. હાલ આઈપીએલમાં આ આઠ ટીમ રમે છેઃ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ.

2028ની સાલની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરવાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના દાવાને ટેકો આપવાનો પણ બીસીસીઆઈની આજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના વડા તરીકે બ્રિજેશ પટેલ ચાલુ રહેશે એવો પણ નિર્ણય લેવાયો છે.