આંદોલનકારી પહેલવાનોમાં પડ્યું ભંગાણ; બબિતાએ કહ્યું, સાક્ષી કોંગ્રેસની કઠપૂતળી છે

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામેના વિરોધ-આંદોલન માટે પોલીસ પાસેથી પરવાનગી મેળવવામાં ભૂતપૂર્વ મહિલા કુસ્તીબાજ અને ભાજપના નેતા બબિતા ફોગાટ મદદરૂપ થઈ હોવાના ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક અને તેનાં પતિ સત્યવર્ત કાડિયનના દાવાને બબિતાએ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે પતિ-પત્ની કોંગ્રેસ પાર્ટીની કઠપૂતળીઓ છે.

ઉલ્લેખનીય છે કે, સાક્ષી મલિકે ગઈ કાલે તેનાં ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું છે કે કુસ્તીબાજોનું આંદોલન રાજકીય નહોતું. બબિતા અને ભાજપનાં અન્ય નેતા તીરથ રાણાએ જંતર મંતર ખાતે આંદોલન  કરવાની પરવાનગી મેળવવામાં મદદ કરી હતી. આ આંદોલનને કોંગ્રેસ પાર્ટીનો કોઈ ટેકો મળ્યો નહોતો. (કુસ્તી જગતના) 90 ટકાથી વધારે લોકોને ખબર હતી કે સતામણી અને ધમકી આપવાનું છેલ્લા 10-12 વર્ષથી ચાલી રહ્યું છે. બહુ ઓછા લોકો એમનો અવાજ ઉઠાવવા માગતા હતા, પરંતુ કુસ્તીજગતમાં એકતા નહોતી.

સાક્ષીની તે પોસ્ટ સામે આજે 33 વર્ષીય બબિતાએ ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કરીને કહ્યું કે સાક્ષી અને એનાં પતિ સત્યવર્તના દાવાઓ ખોટા છે. મારી નાની બહેન અને એનાં પતિનો વિડિયો જોઈને મને બહુ જ દુઃખ થયું અને સાથોસાથ હસવું પણ આવ્યું છે. મારે એ સ્પષ્ટતા કરી દેવી છે કે મારી નાની બહેન પરવાનગીનો જે કાગળ બતાવે છે તેમાં મારી સહી નથી કે ક્યાંય પણ મારું નામ પણ નથી. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી.