સારા પર્ફોર્મન્સ માટે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા એથ્લીટ્સઃ અંજુ જ્યોર્જ

નવી દિલ્હીઃ લોંગ જમ્પર અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)નાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અંજુ બોબી જ્યોર્જે ગઈ કાલે એક સ્ફોટક ખુલાસો કર્યો હતો કે દેશના કેટલાક એથ્લીટ્સ ગેમ્સમાં સારો દેખાવ કરવા માટે વિદેશની કેટલીક પ્રતિબંધિત દવાઓનું સેવન કરવા સાથે તેઓ તેમના સાથીઓને પણ એ આપી રહ્યા છે. AFIની બે દિવસની વાર્ષિક સામાન્ય સભામાં દેશની એકમાત્ર વિશ્વ ચેમ્પિયનશિપ પદક વિજેતાએ કહ્યું હતું કે દેશના કેટલાક એથ્લીટ પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે, જે તેમને વિદેશમાંથી ડોપિંગ માટે પકડાયેલા એથ્લીટો દ્વારા આપવામાં આવી છે.

ડોપિંગ માટે પકડાયેલા એથ્લીટો દ્વારા લાવવામાં આવેલી કેટલીક પ્રતિબંધ દવાઓ ભારતમાં ઉપલબ્ધ નથી, પણ વિદેશમાંથી લાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે આ ડ્રગ્સનો સપ્લાય માત્ર કોચ જ નથી કરતાં પણ જે એથ્લીટો તાલીમ માટે વિદેશ જાય છે, તેઓ પણ આ ડ્રગ્સ લઈ આવે છે અને તેમના સાથીઓને વહેંચે છે. આપણે આ ડ્રગ્સનું સેવન અને અન્યને વહેંચણી થતી અટકાવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

AFIના પ્રેસિડેન્ટ આદિલ સુમરિવાલાએ પણ એથ્લીટોને ચેતવણી આપતાં કહ્યું હતું કે નેશનલ ડોપિંગ એજન્સી (NADA) દ્વારા એથ્લીટોનું પહેલાંથી વધુ ડોપ ટેસ્ટિંગ કરવામાં આવશે. તેમણે એથ્લીટોને ડ્રગ્સના વેપાર નહીં કરવાની અને એનાથી બચવાની વિનંતી કરતાં ડ્રગ્સના ચક્કરમાંથી બહાર નીકળવાના નિર્દેશ આપ્યા હતા. હું હાલમાં NADAના લોકોને મળ્યો હતો, અને તેમને એથ્લીટોના વધુ ટેસ્ટ કરવા જણાવ્યું હતું.